મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પોલીસ બેડાને જરૂરી કાર્યવાહી કરવા સૂચનો આપ્યા છે. જેના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર-ઠેર રેડ કરી દારૂનું વેચાણ કરતા ઈસમોની અટક કરવામાં આવે છે. ત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે ગઈકાલે ઈંગ્લીશ દારૂની સાત બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ચરાડવા ગામે દારૂ વેચાઈ રહ્યો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે રેઇડ કરતા ૩૦ વર્ષીય વિપુલભાઈ દીલીપભાઇ ચૌહાણ નામના આરોપીના ઘરેથી પોલીસને દારૂ મળી આવ્યો હતો. હળવદ પોલીસે રહેણાંક મકાનના રસોડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખવામાં આવેલ ઈંગ્લીશ દારૂની રૂ. ૨૧૦૦ કિંમતની કુલ ૭ બોટલોનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને હળવદ પોલીસે ઝડપી પડ્યો છે અને તેની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.