શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ના પ્રથમ પાવન પર્વ વર્ષ રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે સરસ્વતી શિશુ મંદિર હળવદ દ્વારા ગુજરાતના હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીના રામદરબારનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હળવદ એ બ્રાહ્મણોની નગરી છોટી કાશી તરીકે ઓળખાય છે, ત્યારે વિદ્યાભારતી સંલગ્ન સરસ્વતી શિશુ મંદિર હળવદ દ્વારા આયોજિત રામદરબાર કાર્યક્રમમાં મને મોકો મળ્યો એ જ મારુ સૌભાગ્ય છે.
રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે સરસ્વતી શિશુ મંદિર હળવદ દ્વારા ગુજરાતના હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીના રામદરબારનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામાયણના પ્રસંગો સાથે માર્મિક ટકોરો સાથે ડો.જગદીશ ત્રિવેદીએ કહ્યું હતું કે, સર્વગુણસંપન્ન, કર્તવ્યપરસ્ત અને ભક્ત વત્સલ પ્રભુ શ્રીરામ ઈશ્વરીય સ્વરૂપ એટલે પ્રભુ શ્રીરામ.રામ શબ્દ ત્રણ અક્ષરોનો બનેલ છે જેમાં ‘ર’એ કર્મનું અગ્નિ બીજ ‘અ’એ જ્ઞાનનું સૂર્ય બીજ,’મ’એ ભક્તિનું ચંદ્ર બીજ છે.
આ રીતે રામ એ કર્મ, જ્ઞાન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે, અગ્નિ,સૂર્ય અને ચંદ્ર ત્રણેયનો સુભગ સમન્વય છે. રામનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે થયો છે. નવનો અંક એ પૂર્ણાંક છે. તેથી રામ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. તેઓ મર્યાદા પુરુષ પણ છે. રામાયણ એ માત્ર રામની વાર્તા કે રાજાનો ઇતિહાસ નથી. રામાયણમાં રાજગાદી માટે કાવાદાવાની વાતો ઇતિહાસમાં અગણિત છે, પણ શીખવા જેવું છે ભાઈનો અનુપમ પ્રેમ.ભરત રામને કહે છે કે “અયોધ્યાની રાજગાદી પર તમારો જ અધિકાર છે તો હે રામ ! તમે પાછા આવો.”રામ કહે છે “પિતાના વચન ખાતર વનવાસમાંથી પાછા તે નહીં ફરે.” ત્યારે ભરત રામની ચરણ પાદુકાને સિંહાસન પર મૂકી રામના પ્રતિનિધિ તરીકે રાજ્ય ચલાવે છે. અહીં સત્તાની લાલસા નથી, પણ સતાનું સમર્પણ છે, ભાઈના પ્રેમ ખાતર ત્યાગ છે તથા ટ્રસ્ટીપણાની ભાવના છે.
ડો.જગદીશ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રીરામે ગૃહભીલ, અનાર્ય નારી શબરી,અનાર્ય પક્ષી યુવક જટાયુ-ગીધ,હનુમાન,સુગ્રીવ વગેરે વાનરો,જાંબુવન રીંછ જેવા જંગલી પશુઓ તેમજ રાક્ષસ વિભિષણને પોતાના મિત્રો બનાવી આર્ય-અનાર્ય સંસ્કૃતિ, ઉતર-દક્ષિણનું અને કાળાગોરાનું મિલન સાધ્યું છે.”મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે રામ આયેંગે” એ ભાવવંદના સાથે પ્રભુ શ્રીરામની પ્રતિક્ષા કરતી આદિવાસી ભીલ સન્નારી શબરીના ઘરે (ઝૂંપડી)એ શ્રીરામ જાય છે તથા શબરીના એંઠા બોર આરોગે છે.આમ, પ્રભુ શ્રીરામે જે તે સમયે અસ્પૃશ્યતા નિવારણ અને સામાજિક સમરસતાનું જ્વલંત ઉદાહરણ પુરૂં પાડ્યું હતુ.ભગવાન શ્રીરામ જ ચૌદ વર્ષના વનવાસ પછી, જયારે અયોધ્યા પરત ફરે છે,ત્યારે પોતાને વનવાસ અપાવનાર માતા કૈકેયીને પ્રથમ મળવા (વંદન કરવા) જાય છે. આમ,શત્રુ તેમજ પોતાનું અહિત કરનારને પણ ક્ષમા કરવાનું ઉત્તમ ઉદાહરણ તેઓ પુરૂં પાડે છે. આમ, શ્રીરામનું સમગ્ર જીવન અનુકરણીય તથા વિશ્વ વંદનીય છે, રામના નામે માત્ર પથ્થરો તર્યા છે એવું નથી,કરોડો લોકો ભવસાગર પણ રામ નામથી તર્યા છે, અને હજું તરતાં રહેશે. શ્રીરામના જન્મ પર્વ રામનવમીની સર્વેને હાર્દિક શુભકામના પાઠવી હતી. ઉપસ્થિત સૌ લોકોને ડો.જગદીશ ત્રિવેદીએ મંત્રમુદ કરી દીધા હતા. ત્યારે આ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, સામાજિક સંસ્થાના પ્રમુખો, સાધુ સંતો મહંતો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.