મોરબી: જિલ્લા-શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે તંત્ર ઊંધા માથે થયું છે. વિવિધ વેપારી સંગઠનો અને ગ્રામપંચાયતો પણ કોરોના સામેની આ લડાઈમાં પોતપોતાની રીતે નિર્ણાયક ભૂમિકા ભજવવા આગળ આવ્યા છે ત્યારે મોરબી પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં કોવીડ હેલ્થ કેર સેન્ટર પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે એપ્રિલ મહિના બાદ શરૂ થયેલી કોરોનાની પ્રથમ લહેર બાદ મોરબીના પાટીદાર સમાજ દ્વારા જોધપર (નદી) નજીક આવેલી પાટીદાર સમાજની બોર્ડિંગ ખાતે કોવીડ હેલ્થ કેર સેન્ટર શરૂ કરાયું હતું. જ્યાં સમાજના લોકોને કોરોનાની સારવાર ઉપલબ્ઘ બનાવાઈ હતી. હવે જયારે કોરોનાની બીજી અને વધુ ખતરનાક લહેર શરૂ થઈ છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા તમામ લોકો માટે જિલ્લા કલેકટર પાસે 300 બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી જેમાં જીલ્લા કલેકટરે મંજૂરીની મહોર મારી છે . જો આગળ જતા વધુ બેડની આવશ્યકતા ઉભી થશે તો એ માટે પણ સમાજની તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે શનિવારે સાંજે જિલ્લા કલેકટર દ્વારા સંબોધિત કરવામાં આવેલી પ્રેસ કોન્ફ્રાન્સમાં ઉક્ત સ્થળે હોસ્પિટલ શરૂ કરવાની વાતને અનુમોદન આપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની ચર્ચા વિચારણા કરી તેને મૂર્તિમંત કરવાની બેઠકમાં સંસ્થાના પ્રમુખ ડી.કે.પટેલ, ઉપપ્રમુખ જેન્તીભાઇ જે પટેલ, ડી.કે.ઝાલરિયા (સીરામીક એસો.), ગંગારામભાઈ ધમાસણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.