શનાળા રોડ વિસ્તારમાં રેઇડ દરમિયાન આરોપીઓ અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા, પોલીસે બંને વાહનો કબજે કર્યા.
મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં દારૂની આપલે દરમિયાન પોલીસ પહોંચી જતા બે આરોપીઓ પોતાના મોટરસાયકલ સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે બંને બાઈક અને દારૂની બોટલ કબજે કરી વાહન નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ હાઉસિંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઈક ચાલકો શંકાસ્પદ રીતે કોઈ ચીજ વસ્તુની આપલે કરતા હતા, જેથી પોલીસ નજીક પહોંચતા બંને શખ્સો બાઈક મૂકીને અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. પોલીસે સ્થળ પરથી એક્ટીવા રજી.નં. જીજે-૩૬-બી-૪૪૨૪ અને હોન્ડા એસપી-૧૨૫ રજી.નં. જીજે-૩૬-એડી-૨૨૩૩ મોટરસાયકલ કબજે કર્યા હતા. જેમાં એક્ટીવાની ડેકીમાંથી આર.જે. ગ્રીન સ્પેશિયલ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની એક બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ. ૭૫,૧૨૦/-નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.






