પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અગત્યના નિર્ણયો લેવા તાજેતરમાં ગામના તમામ દુકાનદારો અને ચા-પાનના લારી-ગલ્લા, શાકભાજી સહિતના અન્ય તમામ ધંધાર્થીઓ સાથે મહત્વની મીટીંગ યોજાઈ હતી. જેમાં નાની વાવડી ગામે આજથી તા.૧૮ એપ્રિલ સુધી તમામ દુકાનો તેમજ પાનના લારી-ગલ્લા, શાકભાજી સહિતના અન્ય તમામ ધંધાર્થીઓને સવારે ૬ થી ૧૧ અને સાંજે ૫ થી ૭ સુધી ધંધા-વેપાર ચાલુ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. આ સમય સિવાય દુકાનો ખુલ્લી રહેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
નાની વાવડી ગ્રામ પંચાયત દ્વારા ગામલોકો માટે જાહેર સૂચના આપવામાં આવી છે. જે અન્વયે ગામલોકોએ અગત્યનું કામ હોય તો જ ઘરની બહાર નીકળવું, બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવું, અગત્યના કામે ઘરથી બહાર નીકળતા લોકોએ મોઢે માસ્ક ફરજિયાત પહેરવું, શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણ દેખાઈ તો તુરત જ નજીકના દવાખાને અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં સારવાર લેવી. હાલ નાની વાવડી ગામે કન્યા શાળાની બાજુમાં પાણીના ટાંકા પાસે આંગણવાડી કેન્દ્ર ખાતે ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેકસીન મુકવામાં આવતી હોય ફરજિયાત વેકસીન લેવી. કોરોના સંક્રમણનો અત્યારે વધુ ખતરો હોય બિનજરૂરી બહારગામથી આવતા મહેમાનોને આવવાનું ટાળવા અને બહારગામ જવાનું પણ ટાળવું, બહારગામથી આવતા ફેરિયા, લારીવાળા કે કોઈપણ વસ્તુ વેચવા આવતા લોકોને ગામમાં કે સોસાયટીમાં આવવાની મનાઈ ફરમાવી છે. ગામના કોઈપણ વ્યક્તિએ સારા-માઠા પ્રસંગોમાં વધુ માણસો ભેગા ન કરીને પોતાના કુટુંબ પૂરતા જ સીમિત કરવાની સાથે ઉપરોક્ત તમામ સૂચનાઓનું દરેક ગામલોકોએ ફરજિયાતપણે પોતાના પરિવારની સુરક્ષા ખાતર પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે.