ગામના જ છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ.
વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે ગ્રામ પંચાયતના પાણીના અવાડામાં પાણી ઓછું હોવાના મુદ્દે સરપંચના પરિવાર સાથે ગાળાગાળી અને બોલાચાલી બાદ છ શખ્સો લાકડીઓ લઈને ફરિયાદીના ઘેર ધસી આવ્યા હતા. જ્યાં ગાળો આપી ફરિયાદીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, દીઘલિયા ગામે રહેતા અબ્દુલભાઈ સાવદીભાઈ ખોરજીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગામના પાણીના અવાડામાં પાણી ઓછું હોવાના મુદ્દે આરોપી સામતભાઈ ખેંગારભાઈએ સરપંચના પરિવાર અંગે ગાળો બોલતા ફરિયાદીની પત્નીએ તેમને સરપંચના ઘરે જઈને રજુઆત કરવા જણાવ્યું હતું. જે બાદમાં રાત્રે આરોપી સામતભાઈ ખેંગારભાઈ, પ્રવીણભાઈ સામતભાઈ, મહેશભાઈ સામતભાઈ, લાખાભાઈ ખેંગારભાઈ તેમજ જયપાલભાઈ લાખાભાઈ અને મહીપાલભાઈ લાખાભાઈ લાકડીઓ લઈને ફરિયાદીના ઘરે આવી ગાળો બોલી ધમાલ મચાવી હતી. દરમિયાન આરોપી પ્રવીણભાઈએ ફરિયાદીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ઉપરોક્ત છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






