Friday, May 15, 2026
HomeGujaratટંકારા ખાતે પ્રાંતીય કક્ષાની સાત દિવસીય 'આર્યવીર પ્રશિક્ષણ ગ્રીષ્મ શિબિર'નું આયોજન

ટંકારા ખાતે પ્રાંતીય કક્ષાની સાત દિવસીય ‘આર્યવીર પ્રશિક્ષણ ગ્રીષ્મ શિબિર’નું આયોજન

ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના સંયુક્ત તત્વાધાનમાં આર્યસમાજ ટંકારા દ્વારા મે મહિનામાં એક વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ‘પ્રાંતીય આર્યવીર પ્રશિક્ષણ ગ્રીષ્મ શિબિર’ શીર્ષક હેઠળ આ કાર્યક્રમ તા. ૧૧ મે ૨૦૨૬, સોમવારથી તા. ૧૭ મે ૨૦૨૬, રવિવાર સુધી ટંકારા ખાતે યોજાશે.

- Advertisement -
- Advertisement -

આ શિબિરમાં સહભાગી થનાર આર્યવીરોને શારીરિક અને માનસિક વિકાસ માટે કરાટે, આત્મરક્ષણ, દંડ બેઠક, લાઠી, ભાલા, તલવારબાજી તેમજ સૂર્ય નમસ્કાર જેવી કળાઓનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત યોગ, પ્રાણાયામ, સંધ્યા-હવન, ધ્યાન અને ચિંતન દ્વારા આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવામાં આવશે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સાહસ, સંઘર્ષ, પુરુષાર્થ અને વ્યક્તિત્વ વિકાસની સાથે શિષ્ટાચાર અને નમ્રતા જેવા ગુણો કેળવવાનો છે.

શિબિરના નિયમોમાં વયમર્યાદા ૧૨ વર્ષથી ૨૧ વર્ષ સુધીના ભાઈઓ આ શિબિરમાં ભાગ લઈ શકશે. દરેક શિબિરાર્થી દીઠ ૧૦૦ રૂપિયા શુલ્ક રાખવામાં આવેલ છે. શિબિર દરમિયાન મોબાઈલ રાખવાની મનાઈ રહેશે. શિબિરાર્થીઓએ રમતગમત અને વ્યાયામ માટે અનુકૂળ યુનિફોર્મ તેમજ દૈનિક જરૂરિયાતની ચીજો સાથે લાવવાની રહેશે.

 

શિબિરનો પ્રારંભ સમારોહ તા. ૧૧-૦૫-૨૦૨૬ના રોજ સવારે ૧૦ કલાકે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ, ટંકારા ખાતે યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી ધનજીભાઈ આર્ય (ઉપપ્રમુખ, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા) ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ વિશેષ તરીકે ટંકારા -પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજી દેથરીયા હાજરી આપશે. આ ઉપરાંત ટંકારા નગરપાલિકાના ગણમાન્ય સદસ્યશ્રીઓ, ધવલભાઈ બરછા અને નટવરસિંહ પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી આર્યવીરોને પ્રોત્સાહિત કરશે.

આ શિબિરના સફળ આયોજન માટે સ્વામી દેવવ્રતજી (સંરક્ષક), વાચોનિધિ આચાર્ય (પ્રમુખ, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા), દીપક ઠક્કર (મહામંત્રી), અને ભગવાનજીભાઈ ભીમાણી (પ્રમુખ, આર્યસમાજ ટંકારા) સહિતની ટીમ કાર્યરત છે. શિબિરનું સમાપન તા. ૧૭-૦૫-૨૦૨૬ના રોજ સવારે કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!