અમદાવાદ રીલીફ રોડ પોસ્ટ ઓફિસના ડિલિવરી સેન્ટરમાંથી Codeine Phosphate ધરાવતી 5,050 બોટલ કફ સિરપ જપ્ત
અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ગેરકાયદેસર કફ સિરપના મોટા જથ્થા સાથે રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી રાહુલ ત્રિપાઠીની દૂધના હેઠળ ટીમ કાર્યરત હતી જે દરમિયાન એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદના લાલ દરવાજા, રીલીફ રોડ ખાતે આવેલી ગુજરાત પોસ્ટ ઓફિસના ડિલિવરી સેન્ટર વિભાગની બિલ્ડિંગમાંથી RX Triprolidine Hydrochloride & Codeine Phosphate ઘટક ધરાવતી ગેરકાયદેસર કફ સિરપની કુલ 5,050 સીલબંધ બોટલ ઝડપી પાડવામાં આવી હતી. આ જથ્થાની કુલ કિંમત રૂ.59,41,325 હોવાનું સામે આવ્યું છે.એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર કફ સિરપનો આ અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે.
આ કન્સાઇનમેન્ટ મિઝોરમ ખાતે ડિલિવરી થાય તે પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યું હતું. કન્સાઇનમેન્ટ મોકલનાર સંચાલક તથા મંગાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ મામલે અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. પઠાણને સોંપવામાં આવી છે.
આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી. ચૌહાણ, પીએસઆઇ જે.બી. દેસાઈ તથા એએસઆઈ. મહેન્દ્રસિંહ મંગળસિંહ , હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ફતેસિંહ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ કાનાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ જીલુભાઈ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.






