વાંકાનેરના સમથેરવા ગામની સીમમાંથી મળી આવેલી અજાણ્યા પુરુષના મૃતદેહ મામલે હત્યાનો પર્દાફાશ,ગુનામાં ઉપયોગમાં લીધેલ 11.10 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આશરે ચાર મહિના પહેલા મળી આવેલી અજાણ્યા પુરુષની હત્યા કરાયેલી લાશના વણઉકેલાયેલા કેસનો મોરબી ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી છ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
તા. 8 એપ્રિલ 2026ના રોજ સમથેરવા ગામની સીમમાં ખરાબાની ખુલ્લી જગ્યામાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો. મૃતકની ઓળખ પણ થઈ શકી ન હતી અને હત્યાનો ગુનો અનડીટેક્ટ રહ્યો હતો.
આ ગંભીર ગુનાની તપાસ માટે સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે બનાવસ્થળની મુલાકાત, CCTV કેમેરાની તપાસ, શંકાસ્પદ વાહનોની અવરજવર અંગે માહિતી એકત્ર કરવા તેમજ આસપાસના રહેવાસીઓ, કારખાનાના મજૂરો, હોટલ અને પેટ્રોલ પંપના CCTV સહિતના માધ્યમોથી તપાસ હાથ ધરી હતી.
મોરબી ક્રાઇમ બ્રાન્ચ ની લાંબી અને ઝીણવટભરી તપાસ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ માધ્યમથી મહત્વની કડી મળી હતી. ત્યારબાદ છ શખ્સોને પૂછપરછ માટે LCB કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. અલગ-અલગ ટીમો દ્વારા સઘન પૂછપરછ કરતાં આરોપીઓ પોલીસ તપાસમાં ભાંગી પડ્યા હતા અને ગુનાની કબૂલાત કરી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. આ રીતે ચાર મહિના જૂના વણશોધાયેલા હત્યા કેસનો ભેદ ઉકેલી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવેલી હકીકત
મૃતક અજાણ્યો પુરુષ આરોપી સંદીપભાઈ ધનજીભાઈ ઝાલરીયાના રહેણાંક મકાનમાં દિવસ દરમિયાન ચોરી કરવાના ઇરાદે પ્રવેશ્યો હતો. આરોપી સંદીપભાઈએ તેને પકડી પાડતાં મૃતકના ખિસ્સામાંથી આરોપીની કાર અને એક્ટિવાની ચાવીઓ મળી આવી હતી, જેના કારણે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી.
ત્યારબાદ આરોપીએ પોતાના ડ્રાઇવર રાજેશભાઈ ડાભીને બોલાવી મૃતકને ઇનોવા કારમાં બેસાડ્યો હતો. તેને માથક નજીક આવેલા પોતાના સોલાર ફાર્મમાં લઈ જઈ ત્યાં કામ કરતા અન્ય માણસો સાથે મળી PVC પાઇપથી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતકને કારમાં નાખી વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલી અવાવરૂ જગ્યાએ ફેંકી દેવાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમા સંદીપભાઈ ધનજીભાઈ ઝાલરીયા, એલીસભાઈ જસમતભાઈ ઉર્ફે જયંતીભાઈ ઝાલરીયા, દિવ્યેશભાઈ ગોવિંદભાઈ ઝાલરીયા, મન્નુ ઉર્ફે વરુણ રૈયાભાઈ ગોલતર, રાજેશભાઈ રમેશભાઈ ડાભી, રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવની ધરપકડ કરવામાં આવી છે સાથે જ આરોપીઓ પાસેથી ઇનોવા કાર નંબર GJ36L 9881 કિંમત રૂ. 10 લાખ તેમજ 8 મોબાઇલ ફોન કિંમત રૂ. 1.10 લાખ, મળી કુલ રૂ. 11.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી મોરબી LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, PSI બી.ડી. ભટ્ટ, પેરોલ-ફર્લો સ્ક્વોડના PSI વી.જી. માલાણી તથા LCB, પેરોલ-ફર્લો સ્ક્વોડ અને ટેકનિકલ સેલના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.






