વાંકાનેરના નવાપરા નજીક વાસુકીદાદાના મંદિર પાસે અચાનક રોડ ક્રોસ કરી રહેલ મહિલા સાથે બાઈક અથડાઈ થયેલ અકસ્માત બાદ ઉગ્ર બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી. અકસ્માતનો ખાર રાખી મહિલાના દીકરા અને એક અજાણી મહિલાએ બાઈક ચાલક યુવક અને તેના મિત્ર પર લાકડાના ધોકા અને ઢીકાપાટુથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને માથામાં ઈજા અને ડાબા પગની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે તેના મિત્રને પણ મૂંઢમાર મારવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ મૂળ વેરાવળના અને હાલ વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાં નૂર પ્લાઝા પાસે રહેતા સાજીદભાઈ ભીખુભાઈ લાખા ઉવ.૨૫ ગ્લોબલ ટ્રક ગેરેજમાં મજૂરી કામ કરે છે. ગત તા.૧૯ નવેમ્બરના રોજ સાંજે તેમના પિતાનો ફોન આવતાં ટ્રક રિપેરિંગ માટે તેઓ મિત્ર અરમાનહુસેન દલ સાથે બર્ગમેન બાઈક લઈને નવાપરા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન વાંકાનેરથી નવાપરા પુલ પૂરો થતો હતો તે કટ પાસે એક મહિલા અચાનક રોડ ક્રોસ કરવા જતાં બાઈક સાથે અથડાતાં અકસ્માત થયો હતો. અકસ્મત બાદ મહિલા તથા બાઈક સવાર સાજીદભાઈ અને તેમનો મિત્ર પણ નીચે પડી ગયા હતા. બાદ બંનેએ મહિલાને રોડની સાઈડમાં બેસાડી હતી.
આ દરમિયાન એક અજાણી મહિલા હાથમાં લાકડાનો ધોકો લઈને આવી હતી અને સાજીદભાઈને પીઠના ભાગે માર માર્યો હતો. ત્યારબાદ મહિલાનો દીકરો પણ ધોકો લઈને આવ્યો હતો અને સાજીદભાઈના માથામાં તથા ડાબા પગના ભાગે ઘા માર્યા હતા. આ ઉપરાંત અરમાનહુસેનને પણ બંનેએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારે દેકારો થતા આજુબાજુ માણસો એકઠા થયા બાદ ઈજાગ્રસ્ત સાજીદભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના પગની આંગળીમાં ફ્રેક્ચર હોવાનું અને માથામાં મુંઢ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ સારવાર માટે તેમને મોરબી મોકલવામાં આવ્યા હતા. હાલ સાજીદભાઈની ફરિયાદના આધારે આરોપી લાભુબેન ચંદુભાઈ મકવાણાના દીકરા અને એક અજાણી મહિલા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.






