મહિલા અને બાળ વિભાગ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મોરબી ટાઉનહોલ ખાતે નારી શક્તિને વંદન કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબીની વિવિધ મહિલાઓને સન્માન તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારે મહિલા દિનની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, નારી શક્તિએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. રાજકારણ, વિજ્ઞાન, રમત-ગમત સહિત અનેક ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી છે. રાજ્ય સરકારે પણ અનેક યોજનાઓ થકી મહિલાઓને સમાજમાં ઉન્નત અને સ્વનિર્ભર કરવાના આયોજન કરેલ છે.
આ પ્રસંગે મહિલા અગ્રણી મંજુલાબેન દેત્રોજાએ જણાવ્યું હતું કે, મહિલાઓ માટે ફક્ત એક જ દિવસ નથી અન્ય બાકીના દિવસોમાં પણ સ્ત્રી પોતાની ભૂમિકા ભજવી રહી છે. સ્ત્રીઓ અનેક સ્વરૂપે પોતાની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી રહી છે. સ્ત્રીઓમાં અનેક પ્રકારની શક્તિઓ રહેલી છે અને પોતાની શક્તિઓને પણ ઓળખવી પડશે. સ્ત્રીઓએ પોતાનું સન્માન કરતાં પણ શીખવું પડશે. રાષ્ટ્ર, સમાજ અને કુટુંબ માટે સ્ત્રીની સાંપ્રત ભૂમિકા મહત્વની સાબિત થઇ રહી છે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ જણાવ્યું હતું કે, સ્ત્રીઓ અનેક પ્રકારની જવાબદારીઓ વહન કરીને પોતાનું ઘર સંભાળી રહી છે. જ્યારે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ હશે અને પુરુષને પણ પૂર્ણ સાથ મળે છે ત્યારે જ પુરુષ સફળ થઇ શકે છે. સંસ્કાર આપવાનું મુખ્ય કાર્ય સ્ત્રી કરી રહી છે જે સૌથી મહત્વની બાબત છે. સ્ત્રી વગરનું ઘર એ ફક્ત મકાન બની રહે છે. મહિલાઓનું માન-સન્માન તેઓના પોતાના જ હાથમાં છે.
શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત આ કાર્યક્રમના પ્રારંભે વ્હાલી દિકરી યોજનાના મંજૂરી હુકમ અને પ્રમાણપત્ર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમ, કોરોના વોરિયર્સ તરીકે ઉત્તમ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન તેમજ માતા યશોદા એવોર્ડ આપી અગ્રણીઓ અને અધિકારીઓના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અનિવાર્ય સંજોગોવસાત ઉપસ્થિત ન રહી શકેલા મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના આઇ.આઇ. મન્સુરીએ શાબ્દીક સ્વાગત તેમજ આભારવિધિ દહેજ પ્રતિબંધક અધિકારી નીલેશ્વરીબા ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઇ ઝાલરીયાએ કર્યું હતું. આ પ્રસંગે શક્તિ વંદના કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
કાર્યક્રમમાં કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકરી ડી.એ. ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ચાવડા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, હંસાબેન પારઘી સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો, આશાવર્કર બહેનો તેમજ અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.