જાત મહેનત દ્વારા શાળાને રંગ રોગાન કરી દીવાલોને બોલતી કરવા વિષયવસ્તુનું આલેખન કર્યું
શાળા એટલે વિદ્યાધામ, શાળા એટલે વિદ્યા મંદિર, શાળા એટલે બાળકનું ભણતર,ગણતર,ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરતું સ્થાન. આમ, શાળા માટે અનેક વિશેષણો પ્રયોજી શકાય,. શાળાનું ભાવાવરણ એવું જાનદાર અને શાનદાર હોવું જોઈએ કે જ્યાં બાળકોને આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે. શું આવી શાળા હોઈ શકે ? હા, છે. મોરબીથી પંદરેક કિલોમીટર દૂર આવેલી બિલિયા પ્રાથમિક શાળા અદ્દલોઅદ્દલ આવી જ શાળા છે..! બિલિયા ગામમાં પ્રવેશતાની સાથે જ સરસ્વતી માતાનું મંદિર એટલે કે પ્રાથમિક શાળાના દર્શન થાય છે. આ શાળામાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવું શાળાનું વાતાવરણ છે. શાળામાં બાગ નહિ પણ બાગમાં શાળા હોય એવી અનુભૂતિ થાય છે. શાળાની સચિત્ર બોલતી દીવાલો જોઈને જોનારની આંખો ચાર થઈ જાય તેવું સુંદર મજાનું રંગબેરંગી ચિત્રકામ શાળાના શિક્ષકોમાં રહેલી એકતા, સંપ અને હળીમળીને નિષ્ઠાપૂર્વક કામ કરવાની ભાવનાના કારણે શક્ય બન્યું છે..! શાળાના આચાર્ય,અને શૈક્ષિક મહાસંઘના મંત્રી કિરણભાઈ કાચરોલા,સતિષભાઈ દેત્રોજા, તૃપ્તિબેન પટેલ, ગૌતમભાઈ ગોધવીયા,વંદનાબેન સાંણદીયા, દક્ષાબેન પટેલ વગેરે સમગ્ર શાળા સ્ટાફ પરિવાર કાચ પેપર લઈને મંડયા વર્ગખંડોની, કમ્પાઉન્ડ વોલની દીવાલો ઘસવા લાગ્યા રવિશંકર મહારાજે કહ્યું છે ને કે, ઘસાઈને ઊજળા થઈએ..!અહીં શિક્ષકો પોતે શાળા માટે ઘસાઈને ઊજળા થયા અને શાળાને પણ ઊજળી બનાવી.. દીવાલો પર ઓઈલ પેઈન્ટ કર્યું, દીવાલોને નવોઢાની જેમ સજાવી દીધી,ચિત્રો દોરવા માટે સુસજ્જ બનાવી દીધી.