મોરબી શહેરમાં શંકાસ્પદ યુરિયા ખાતરના મોટા જથ્થા સામે SOG ટીમે કાર્યવાહી કરી છે. રાજપર રોડ પર મામાદેવ મંદિર સામેની શેરીમાં જય એગ્રોની બાજુમાં આવેલા ગોડાઉનમાંથી આશરે 1272 ગુણી શંકાસ્પદ યુરિયા ખાતર મળી આવ્યું હતું.
ગૃહ વિભાગની સૂચના મુજબ વિસ્ફોટકો, એમોનિયમ નાઇટ્રેટ તેમજ વિસ્ફોટકના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા અન્ય રસાયણોની ખરીદી, પુરવઠો, પરિવહન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર દેખરેખ તથા ચકાસણી માટે ડેડિકેટેડ ડિસ્ટ્રિક્ટ લેવલ સેલની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત SOG ટીમને મળેલી બાતમીના આધારે રાજપર રોડ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જય એગ્રોના માલિક જયેશભાઈ કાનજીભાઈ બુડાસણા દ્વારા ભાડે રાખવામાં આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી મળી આવેલા જથ્થાને કાયદેસરની કાર્યવાહી માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીને સોંપવામાં આવ્યો છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.પોલીસે ગોડાઉનમાંથી આશરે 1272 ગુણી શંકાસ્પદ યુરિયા ખાતર, કિંમત રૂ.3,38,988નો મુદ્દામાલ સીઝ કર્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.






