મોરબીમાં વર્ષ ૨૦૧૯માં પ્રેમીએ પ્રેમિકાની તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. જે બનાવમાં પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા જજ વી.એ. બુધ્ધ સાહેબે આરોપીને આજીવન કેદની સજા તથા 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહેતી કવિતાબેન કેતનભાઈ ચૌહાણ નામની યુવતી તથા આરોપી ધીરજ જીવાભાઈ સોલંકી આશરે દોઢેક વર્ષથી મોરબી વાકાનેર હાઇ વે પર આવેલ સૂર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સાથે કામ કરતાં હતાં દરમ્યાન સાતેક માસથી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ તથા શારીરીક સંબંધો બંધતા તથા આરોપી પરણીત હોય થોડા સમય બાદ આરોપીને આ સંબંધો જાહેર થવાથી પોતાનું લગ્ન જીવન બગડશે તેમજ સમાજમાં બદનામી થશે તેવું લાગતા આરોપીએ સંબંધો છોડવા કવિતાબેનને સમજાવતાં કવિતાબેને સંબંધો છોડવા તૈયાર ન થતાં આરોપીને અવાર નવાર રૂબરૂ મળી તથા ફોન કરી સંબંધો રાખવા દબાણ કરતા આરોપીએ આ સમસ્યાથી કાયમી છૂટકારો મેળવવા ગત તા.૦૭/૦૨/૨૦૧૯ ના રોજ પુર્વ નિર્ધારિત રીતે પોતે છુપાવેલી કુહાડી રસોડામાં રાખી સહ કર્મચારીઓને કામના બહાને ઓફીસ બહાર મોકલી કવિતાબેન સાથે રસોડામાં બોલા ચાલી કરી જપા-જપી કરી ફ્રિજ પર રાખેલ કુહાડી વતી કવિતાબેનને ગળાના ભાગે તથા માથામાં મારક ઇજાઓ કરી મૃત્યુ નિપજાવી ગુન્હો કર્યો હતો. જે સમગ્ર મામલે આરોપી વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૩૦૨, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ પોલીસ ફરિયાદ નોંધાતા મોરબી એલ.સી.બી. ટીમે આરોપીને પકડી કોર્ટમાં રજુ કરતા કેસ જજ વી.એ. બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ૪૨ દસ્તાવેજી પુરાવા અને ૧૭ મૌખિક પુરાવાના આધારે આરોપી ધીરજ જીવાભાઈ સોલંકીન કસૂરવાર ઠરાવી આરોપીને આજીવન કેદની સજા તથા બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્યારે આ કેસમાં સરકારી વકીલ તરીકે સંજયભાઈ સી. દવે રોકાયેલ હતા.