મોરબીનું ઘરેણું ગણાતા ઝૂલતા પુલના સંચાલન અંગેનો કરાર 2021 મા પૂર્ણ થયા બાદ નવા કરરા માટે લાંબો સમય વીત્યા બાદ ફરી નવો કરાર કરી આગામી પંદર વર્ષ માટે ઝૂલતા પુલનું સંચાલન ફરી મોરબીના અજંતા મેન્યુફેકચરીંગ પ્રાઈવેટ લીમીટેડ (ઓરેવા) ગ્રુપને સોંપવામાં આવ્યું છે.
ઝૂલતા પુલના સંચાલન અને જાળવણી માટે કરારની અવધી પૂર્ણ થતાં ઝૂલતા પુલની હાલત દયનિય બની હતી. ઠેર ઠેર ગંદકી ના ગંજ જોવા મળતા હતા.આ ઉપરાંત જર્જરિત હાલતમાં હોવાથી હાલ રીનોવેશન માટે પુલ બંધ કરવામાં આવ્યો છે.ત્યારે ફરી એક વખત મોરબીના ઝુલતા પુલ માટે મોરબી પાલિકાએ ઓરેવા ગ્રુપ સાથે કરાર કરી માર્ચ ૨૦૨૨ થી માર્ચ ૨૦૩૭ સુધી એટલે કે ૧૫ વર્ષ સંચાલન સોંપ્યું છે.હાલ જે ટીકીટ દર ૧૫ રૂ છે તેમાં વર્ષ ૨૦૨૩-૨૪ થી બે રૂપિયા જેવો નજીવો વધારો કરવા અંગે પણ કરારમાં ઉલ્લેખ કરાયો છે.
આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મોરબી ના ઝૂલતા પુલનું વર્ષોથી મેન્ટેનેશ, જાળવણી સહિતનું કામ અજંતા મેન્યુફેકચરીંગ પ્રાઈવેટ લીમીટેડ (ઓરેવા) ગ્રુપ દ્વારા કરવામાં આવતું હતું જેનો વર્ષ 2021માં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ રીન્યુ કરાયો ન હતો. આગામી સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષાએ પેન્ડિંગ રખાયો હતો તે દરમિયાન ગઈ કાલે મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતનાઓની હાજરીમાં કરાર રીન્યુ કરવામાં આવ્યો છે. જેને લઈને આગામી 15 વર્ષ સુધી પુલનું મરામત, નિભાવણી, જાનહાની, મેનેજમેન્ટ જેમાં સિક્યુરીટી, સફાઈ, મેન્ટેનન્સ, પેમેન્ટ કલેક્શન, સ્ટાફ સહિતની સંપૂર્ણ જવાબદારી ઓરેવા ગ્રુપની રહેશે.