અદાણી કંપનીની વીજલાઇન મુદ્દે ઉપવાસ આંદોલનને મળ્યું વ્યાપક જનસમર્થન: ખેડૂતોને ન્યાય આપવા સરકારને હકાભાની અપીલ.
જેતપર ગામે અદાણી કંપનીની વીજલાઇનના પ્રશ્ને ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં યોજાયેલા લોકડાયરામાં જાણીતા કલાકાર હકાભા ગઢવી જોડાયા હતા. હજારો લોકોની હાજરી વચ્ચે તેમણે ખેડૂતોને ન્યાય આપવા સરકારને પોતાના અંદાજમાં અપીલ કરી હતી.
મોરબી તાલુકાના જેતપર ગામે અદાણી કંપનીની વીજલાઇનના પ્રશ્નને લઈને ખેડૂતો દ્વારા ચાલી રહેલા ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસાહિત્યકાર હકાભા ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજથી લઈને ગામના પાદર સુધી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં બેઠક વ્યવસ્થા પણ ઓછી પડી હતી, જ્યારે પાર્કિંગમાં વાહનોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી હતી.
મોરબી સહિત આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેમના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવવો જોઈએ. ‘જય જવાન, જય કિસાન’નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દેશની સુરક્ષા માટે જવાન અને દેશના ભરણપોષણ માટે ખેડૂત બંને સમાન મહત્વ ધરાવે છે. તેમણે સરકારને ખેડૂતોને સત્વરે ન્યાય આપવા વિનંતી કરી હતી.






