સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા નાગરિકો માટે હવામાનને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન વિશ્લેષક રમેશ બસિયા (નાનાં ખીજડીયા, ટંકારા) ના અંદાજ મુજબ, જૂન મહિનાના અંત સુધી રાજ્યમાં સાર્વત્રિક કે ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ જુલાઈની શરૂઆતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે.
ચાલુ સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મર્યાદિત વિસ્તારોમાં માત્ર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. હાલ પૂરતો સાર્વત્રિક વરસાદનો અભાવ રહેશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૩૭°C થી ૩૯°C ની રેન્જમાં રહેવાની ધારણા છે. હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે. આ દિવસો દરમિયાન મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે, જેની ઝડપ ૨૦ થી ૨૫ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસું પકડશે જોર: બે સિસ્ટમ સક્રિય થશે મેઘરાજાની સાચી હેલી જુલાઈ મહિનાની શરૂઆતમાં જોવા મળી શકે છે
હવામાન વિશ્લેષકના જણાવ્યા અનુસાર, ૧ જુલાઈથી ૭ જુલાઈ વચ્ચે રાજ્યમાં વરસાદનો એક મોટો અને સારો રાઉન્ડ આવવાની પ્રબળ શક્યતા છે. આ પાછળ બે મોટી દરિયાઈ સિસ્ટમ જવાબદાર બનશે ૧ જુલાઈની આસપાસ અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) સક્રિય થશે. ૩ જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ આકાર લેશે. આ બંને સિસ્ટમો સક્રિય થતાં 700 hPa ના લેવલ પર એક મજબૂત ‘સિયરઝોન’ (Shear Zone) બને તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં બનનારી આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને સીધી ગુજરાત તરફ ગતિ કરે તેવા સાનુકૂળ સંજોગો દેખાઈ રહ્યા છે. જો આ બંને સિસ્ટમ ધારણા મુજબ આગળ વધશે, તો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જ સૌરાષ્ટ્ર અને ગુજરાતને ધમરોળતો એક શાનદાર સાર્વત્રિક વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે.






