મોરબીમા આજે અપમૃત્યુના વધુ ત્રણ બનાવો સામે આવ્યા છે જેમાં ઝેરી દવા ગટગટાવી લેતા તરૂણીનું મોત અને બીમારી બદલ યુવતી તથા ગળેફાંસો ખાઈ લેતા માનસિક બીમાર આધેડનુ મોત નીપજ્યું હતું.
અપમૃત્યુના કેસની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર માળીયા મિયાણાં તાલુકાના જુનાઘાંટીલા ગામે અરૂણભાઇ પટેલની વાડીએ રહેતી મૂળ છુટા ઉદયપુરની સીતાબેન રવિન્દ્રભાઇ રાઠવા નામની 14 વર્ષીય તરુણીને પોતાની ફૈએ રાંધવા બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે કિશોરીને લાગી આવતા વાડીએ જ ઓરડીમાં પડેલ ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેની જાણ થાત તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતુ. જેને લઈને પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા અનશોયાબેન બાલગીરી ગોસાઇ નામની 32 વર્ષીય યુવતીનું કોઈપણ બીમારીને લીધે તેનું મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુ અંગેના વધુ એક કેસની વિગત મુજબ મોરબીના ગ્રીન ચોકમાં સ્વાગત જવેલર્સ સામે રહેતા પરાગભાઇ લાભશંકરભાઇ મોદી નામના ૫૫ વર્ષીય આધેડે પોતાના ધરે માનસીક બીમારી સબબ ગળેફાંસો ખાઇ લીધો હતો જેની ૧૦૮ ને જાણ કરાતા ૧૦૮ દ્વારા મોરબીની સરકારી હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.