રાજકોટમાં સારવાર દરમિયાન રિક્ષાચાલકનું પણ મોત: ખેવારિયા ગામના સંજય ડારા અને હાર્દિક રાઠોડના અગાઉ જ મોત નીપજ્યાં હતા.
મોરબી-નવલખી હાઈવે પર બરવાળા અને લુટાવદર ગામ વચ્ચે CNG રિક્ષા અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ થયો છે. અકસ્માતમાં બે યુવકોનાં મોત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત રિક્ષાચાલકનું પણ રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે હાલ મૃતક સંજયભાઇના પિતાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે મૃતક રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી-નવલખી હાઈવે પર ગઈકાલ તા.૧૯ નવેમ્બરના રોજ સાંજના આશરે ૭ વાગ્યે બરવાળા અને લુટાવદર ગામ વચ્ચે CNG રિક્ષા રજી નં. જીજે-૩૬-યુ-૮૦૧૮ અને બાઈક રજી.નં. જીજે-૦૩-એક્યુ-૦૪૭૯ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા ખેવારિયા ગામના સંજયભાઈ ભીખાલાલ ડારા અને પાછળ બેઠેલા તેમના મિત્ર હરેશ ઉર્ફે હાર્દિક અરવિંદભાઈ રાઠોડને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
બીજી તરફ અકસ્માતમાં CNG રિક્ષાચાલક સાગર નંદલાલ સુરેલા રહે. ધુંટુ વાળાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. આમ, આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયા છે. અકસ્માતના બનાવ અંગે મૃતક સંજય ડારાના પિતા ભીખાલાલ બચુભાઈ ડારાએ ફરિયાદ નોંધાવી કે, રિક્ષાચાલકે પોતાની રિક્ષા પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી બાઈકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જે ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે મૃતક રિક્ષાચાલક સાગર નંદલાલ સુરેલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.






