Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી પંથકમાં અકસ્માતના પાંચ બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા

મોરબી પંથકમાં અકસ્માતના પાંચ બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા

વિકાસની હરણફાળ ભરતા મોરબીમાં અકસ્માતના કેસોમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. અકસ્માતના બનાવો વગર મોરબીમાં જાણે સાંજ જ ન પડતી હોય તેવી સ્થિતિ વર્તાઈ રહી છે તેવામાં મોરબીમાં વધુ પાંચ અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં ત્રણ વ્યક્તિના મોત અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માતના કેસની વિગત મુજબ વાંકાનેર તાલુકના જિનપરા જકાતનાકા સર્કલ પાસેથી પગપાળા રોડ ક્રોસ કરી રહેલ રાજેશભાઇ કાનજીભાઈ સીતાપર (ઉ.વ.38)ને ટ્રક એમએચ18 બીસી 3837ના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમા રાજેશભાઈને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગર મૃતકના ભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

અન્ય એક બનાવમાં હળવદ તાલુકાના સુરવદર ગામે નેસડા વિસ્તારમાં રામુભાઈ લોખીલની વાડી પાસેથી બાઈક લઈ પસાર થઈ રહેલા દંપતિને બાઈક સ્લીપ થતા અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક ચાલક બાબુભાઇ હળવદીયાને ગંભીર ઇજા અને તેના પત્ની અસ્મિતાબેન બાઈકમાંથી પડી જતા તેનું મોત નીપજ્યું હતું.

વધુ એક કિસ્સામાં મોરબી બે વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી થી આઈટીઆઈ તરફ જતા રોડ પર આવેલ શબરી હોટેલ નજીક અજાણ્યાં ફોરવહીલ ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં બાઈક ચાલક જયેશભાઇ સનારીયાને માથામાં ગંભીર ઇજા થવા પામી હતી જેને લઈને તેનું મોત નિપજતા મૃતકના કાકા રતીલાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફોરવહીલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત વાંકાનેર મોરબી હાઇવે રોડ પર આવેલ લાલપર ગામની નજીક અંબાણી હોમ સોલ્યુશન કારખાના નજીક આઇસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસરની ઠોકરે હીરો હોન્ડાના ચાલક રામસંગ બાલારામ ભીલ અને તેના મિત્ર વિજયભાઈ ગુપ્તાને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ આઇસર ચાલક પોતાનું વાહન મૂકી નાશી છૂટ્યો હોવાનું પોલીસ મથકમાં જાહેર થવા પામ્યું છે.

હળવદમાં હળવદ – માળીયા હાઇવે પર આવેલ ત્રણ રસ્તા નજીકના નગર પાલિકાના બગીચા પાસે તુફાન ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક તળસીભાઈ ચૌહાણને ગંભીર ઇજા પહોંચી હતી.આ અંગે ઇજાગ્રસ્તે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!