ઘુંટુ અને ઉંચી માંડલ વચ્ચે ડીવાઇન હોટલ સામે પૂરઝડપે આવેલી ટાટા ટિગોર કાર ટ્રેક્ટર સાથે અથડાઈ.
મોરબી-હળવદ રોડ પર ઘુંટુ અને ઉંચી માંડલ ગામ વચ્ચે ડીવાઇન હોટલ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર સાથે જઈ રહેલા ટેન્કરને પાછળથી આવેલી કારના ચાલકે બેદરકારીપૂર્વક હંકારી ટ્રેક્ટર સાથે અથડાવતાં ટ્રેક્ટર ચાલક નીચે પટકાયા હતા. જે અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે મળતી માહિતી મુજબ, તા.૨૩ નવેમ્બરના રોજ બપોરે આશરે ૧૨ વાગ્યાના અરસામાં રાકેશભાઈ સવજીભાઈ ભુરીયા રહે.હાલ ચરાડવા પાવર હાઉસની બાજુમાં ઝુપડામાં તા.હળવદ મુળ રહે.બાવળી ખેડા ફળીયુ ઝાલદડા ગામ પોસ્ટ લીંબડી ડોળી તા.સંતરામપુર જી.મહીસાગર વાળા ટ્રેક્ટર રજી.નં. જીજે-૩૬-એકે-૬૬૬૯ સાથેનું ટેન્કર લઈને જઈ રહ્યા હતા. તેમની સાથે ઉદેસીંગભાઈ પણ હતા. દરમિયાન મોરબી-હળવદ રોડ પર ઘુંટુ અને ઉંચી માંડલ ગામ વચ્ચે ડીવાઇન હોટલ સામે પાછળથી પૂરઝડપે આવેલી ટાટા ટિગોર કાર રજી.નં. જીજે-૦૧-ડબલ્યુએચ-૭૧૧૮ ના ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારી ટ્રેક્ટર અને ટ્રકની વચ્ચે કાર ઘુસાડી ટ્રેક્ટરના આગળના બમ્પરમાં જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતને પગલે ટ્રેક્ટરને જોરદાર ટક્કર લાગતાં ટ્રેક્ટર ચાલક રાકેશભાઈ ડ્રાઇવર સીટ પરથી નીચે પટકાયા હતા. જેના કારણે તેમના માથાના ભાગે ગંભીર સહિત શરીરે ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પત્ની ચંદ્રીકાબેન ભુરીયાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






