દાડમના બગીચાના કન્સલ્ટન્ટ તરીકે ઓળખ આપી હોસ્પિટલના કામે પૈસાની જરૂર હોવાનું કહી વિશ્વાસમાં લઈ ઠગાઈ કરી.
હળવદ તાલુકાના રણમલપુર ગામના ખેડૂતને સાયબર ઠગોએ નિશાન બનાવ્યા હતા. દાડમના બગીચાના કન્સલ્ટન્ટ મહેન્દ્રભાઈ બોરસે તરીકે ખોટી ઓળખ આપી હોસ્પિટલના કામ માટે તાત્કાલિક નાણાંની જરૂર હોવાનું કહી ખેડૂતને ફોન કર્યો હતો. ત્યારબાદ બેંકમાં રૂ.૭૮,૫૦૦/- જમા થયાનો બનાવટી ટેક્સ્ટ મેસેજ મોકલી ક્યુઆર કોડ મારફતે બે ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ.૭૮ હજાર ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી.
હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા ખેડૂત દલસુખભાઈ બાબુભાઈ પારેજીયા ઉવ.૫૮ ગામની સીમમાં આવેલી પોતાની જમીનમાં દાડમનો બગીચો ધરાવે છે. આ બગીચામાં કન્સલ્ટન્ટ તરીકે મહેન્દ્રભાઈ બોરસેને રાખ્યા હોવાથી ગત તા.૨૫ ઓક્ટોબરના રોજ અજાણ્યા નંબર પરથી ફોન કરનારે પોતે મહેન્દ્રભાઈ હોવાનું જણાવી હોસ્પિટલના કામ માટે રૂપિયાની જરૂર હોવાનું કહ્યું હતું. દરમિયાન ખેડૂતના મોબાઇલ પર રૂ.૭૮,૫૦૦/- જમા થયાનો બેંક જેવો બનાવટી મેસેજ મોકલવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીએ અન્ય મોબાઇલ નંબર પરથી વાસુદેવભાઈ પારેજીયાના વોટ્સએપ પર ક્યુઆર કોડ મોકલી ખેડૂત પાસે ફોન-પે મારફતે પ્રથમ રૂ.૪૦ હજાર અને ત્યારબાદ રૂ.૩૮ હજાર મળી કુલ રૂ.૭૮ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.
જે બાદ શંકા જતાં ફરિયાદી ખેડૂતે પોતાના બગીચાના કન્સલ્ટન્ટ મહેન્દ્રભાઈનો સંપર્ક કર્યો હતો. જોકે, તેમણે કોઈ ફોન કર્યો ન હોવાનું અને નાણાંની માંગણી પણ કરી ન હોવાનું જણાવતાં ખેડૂતને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. આ અંગે તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવ્યા બાદ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ અજાણ્યા મોબાઇલ નંબર (૧)૬૨૬૫૮૧૧૪૪૭, (૨)૮૫૪૧૯૩૧૯૪૨ અને (૩)૯૫૧૬૯૮૨૩૯૬ના ધારકો સહિત તપાસમાં ખુલે તે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






