મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે વિદેશી દારૂના અલગ અલગ બે દરોડામાં ઈંગ્લીશ દારૂની કુલ ૪૬ બોટલ તથા બે મોબાઇલ સાથે બે આરોપીની અટક કરી હતી જયારે ઈંગ્લીશ દારૂના સપ્લાયર એવા બે આરોપીને ફરાર દર્શાવી કુલ ૪ આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વિદેશી દારૂની પ્રથમ રેઇડમાં મોરબી સર્કીટ હાઉસ સામે આવેલ મફતીયાપરામાં રહેતા નિલેષ પ્રકાશભાઇ જોબનપુત્રાના રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીને આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડતા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ૧૦ નંગ બોટલ તથા એક ઓપ્પો કંપનીનો મોબાઇલ એમ કુલ રૂ.૧૪,૮૫૦/-ના મુદામાલ સાથે આરોપી નિલેષ પ્રકાશભાઇ જોબનપુત્રા ઉવ-૨૩ની સ્થળ ઉપરથી અટક કરી હતી. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો આરોપી વસીમ યુનુસભાઇ પલેજા રહે.મોરબી-ર કાંતીનગર, મસ્જીદની સામેની શેરી પાસેથી વેચાણ કરવાના ઇરાદે લઇ આવ્યાનું જણાવતા બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
જયારે બીજા દરોડામાં મોરબી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે મેહુલ સનુરા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મુજબની બાતમી મળતા પોલીસે સમર્પણ હોસ્પીટલની પાછળ આવેલ ઇન્દીરાનગર ગાયત્રીનગરમાં દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની મેકડોવેલ વ્હિસ્કીની ૩૬ બોટલ સાથે આરોપી મેહુલભાઇ ત્રિભોવનભાઇ સનુરા ઉવ-૨૬ને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે વિદેશી દારૂની ૩૬ નંગ બોટલ કિ.રૂ.૧૩,૫૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-નો મુદામાલ કબ્જે લીધો હતો. જયારે પકડાયેલ આરોપીએ વિદેશી દારૂનો જથ્થો આરોપી ભરતભાઇ ભરવાડ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.