રંગપર ગામે દુકાનમાંથી ૧૨૦ લીટર દેશી દારૂ અને સીરામીક સિટીના પાર્કિંગમાંથી વિદેશી દારૂની ૮ બોટલો ઝડપાઈ.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી હતી. જેમાં રંગપર ગામેથી ૧૨૦ લીટર દેશી દારૂ જ્યારે સીરામીક સિટી વિસ્તારમાંથી બ્લેન્ડર પ્રાઇડની ૮ બોટલો મળી આવી હતી. આ સાથે બંને આરોપીઓ સામે પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાના રંગપર ગામ પાસે રેબન કારખાનાની સામે હરિપ્રકાશ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાન નં-૫માં દરોડો પાડતા દેશીદારૂ લીટર-૧૨૦ કિંમત રૂ.૨૪,૦૦૦/- ના જથ્થા સાથે આરપી અનવરભાઈ હાજીભાઈ માલાણી રહે. કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલી સીરામીક સિટી એલ-૦૧ના પાર્કિંગ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન આરોપી હિરેન સેતલકુમાર યાદવ રહે. સીરામીક સીટી એલ-૧ મોરબી વાળાના કબ્જામાંથી બ્લેન્ડર પ્રાઇડ રિઝર્વ કલેક્શન વ્હીસ્કીની ૮ નંગ બોટલ કિ.રૂ.૮,૮૮૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન ધારા હેઠળ ગુનો નોંધાયો હતો.






