અકસ્મતમાં એક યુવકના પગમાં ફ્રેક્ચર, મિત્રને માથા અને પગમાં ગંભીર ઈજા: રાજકોટની હોસ્પિટલમાં સારવાર ચાલુ.
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર મકનસર ગામના કટ પાસે બોલેરો પીકઅપે પાછળથી બાઈકને ટક્કર મારતાં બે મિત્રો ઘાયલ થયા હતા. જેમાં બાઈક ચાલકને માથા અને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા, જ્યારે પાછળ બેઠેલ મિત્રને પગમાં ફ્રેક્ચર થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે બોલેરો ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, મકનસરની ધર્મમંગલ સોસાયટીમાં ભાડે રહેતા અને રાતાવીરડા ચોકડી પાસે આવેલી કેપ્ટાઇલ કંપનીમાં નોકરી કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રામુભાઈ સુરેન્દ્રકુમાર શર્મા ઉવ.૨૩ ગત તા.૭ ઓક્ટોબરના રોજ પોતાના મિત્ર નીખિલસિંહ મહેન્દ્રસિંહ સાથે પલ્સર બાઈક રજી.નં. યુપી-૭૫-એવી-૦૩૨૯ ઉપર એપેક્ષ હોસ્પિટલથી મકનસર જતા હતા ત્યારે બાઈક નીખિલસિંહ ચલાવતા હતા અને રામુભાઈ પાછળ બેઠા હતા. જે દરમિયાન બપોરે આશરે બે વાગ્યે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર મકનસર ગામના કટ પાસે પહોંચતાં પાછળથી આવેલી બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૩૬-વી-૫૮૩૨ ના ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી બાઈકને ટક્કર મારી હતી. જેથી બંને રસ્તા પર પટકાતાં રામુભાઈને જમણા પગે, જ્યારે નીખિલસિંહને માથા અને જમણા પગે ગંભીર ઈજાઓ થઈ હતી.
બનાવ બાદ બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પગમાં ઘૂંટણથી નીચેના ભાગે ફ્રેક્ચર, જ્યારે નીખિલસિંહને માથા અને જમણા પગમાં ફ્રેક્ચર થતાં રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. હાલ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત રામુભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






