Saturday, October 10, 2026
HomeGujaratટંકારામાં ટ્રકની ટક્કરે લીલા નાળિયેર ભરેલી બોલેરો પલટી મારી ગઈ

ટંકારામાં ટ્રકની ટક્કરે લીલા નાળિયેર ભરેલી બોલેરો પલટી મારી ગઈ

વીરપર ગામ નજીક અકસ્માતમાં બોલેરો ચાલક ઘાયલ, લીલા નાળિયેરના ત્રોફા વેરવિખેર થતાં રૂ.૩૦થી ૪૦ હજારનું નુકસાન.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક બાની વાડી પાસે પાર્કિંગ લાઈટ ચાલુ કરી ઉભી રાખેલ નાળિયેર ભરેલી બોલેરો પીકઅપને ટ્રકે પાછળથી ટક્કર મારતાં બોલેરો પલટી ગઈ હતી. અકસ્માતમાં બોલેરો ચાલકને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે લીલા નાળિયેરના ત્રોફા વેરવિખેર થતાં અંદાજે રૂ.૩૦થી ૪૦ હજારનું નુકસાન થયું હતું. અકસ્માતના બનાવ અંગે ટંકારા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જીલ્લાના શીલ ગામના વાડી વિસ્તારમાં રહેતા રાહુલભાઈ કરશનભાઈ ભરડા ઉવ.૩૪ એ ટંકારા પોલીસ મથકમાં ટ્રક રજી.નં. જીજે-૧૨-એટી-૯૦૭૮ ના ચાલક વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, રાહુલભાઈ છેલ્લા સાત મહિનાથી માંગરોળના ધાર્મિકભાઈ મોકરીયાની બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૧૧-વીવી-૬૬૧૩ માં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત તા.૮ ઓક્ટોબરના રોજ તેઓ જૂનાગઢથી બોલેરો પીકઅપમાં લીલા નાળિયેરના ત્રોફા ભરીને મોરબી આવવા નીકળ્યા હતા. દરમિયાન તા.૯ ઓક્ટોબરની રાત્રે આશરે દોઢ વાગ્યે ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક બાની વાડી પાસે બાથરૂમ જવા માટે તેમણે બોલેરો સાઇડમાં ઊભી રાખી પાર્કિંગ લાઇટ ચાલુ કરી હતી. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકના ચાલકે બોલેરોને ટક્કર મારતાં બોલેરો પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતમાં રાહુલભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે બોલેરોમાં ભરેલા નાળિયેરના ત્રોફા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યારે રાહુલભાઈને બોલેરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માતમાં નાળિયેરના ત્રોફાનું અંદાજે રૂ.૩૦થી ૪૦ હજારનું નુકસાન થયું હતું. હાલ બોલેરો ચાલક રાહુલભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!