મોરબી જિલ્લામાં અપમૃત્યુના વધુ બે બનાવો સામે આવ્યા છે જેમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા પરપ્રાંતીય યુવાનનું ટીબીની બીમારી સબબ મોત નીપજ્યું છે. જ્યારે મોરબી શહેરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હોવાનું સામે આવ્યુ છે.
અપમૃત્યુના કેસની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એમ્બિટો સિરામિકમાં રહેતા આકાશભાઇ રાજુભાઇ મુદી નામના 19 વર્ષીય યુવાન લાંબા સમયથી ટીબીની બીમારી ભોગવતો હતો જેની હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી આ દરમિયાન મોરબી દવાખાને દવા ચાલુ હતી. જે સારવાર કારગત ન નિવડતા બીમારી સબબ યુવાનનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું જેને પગલે વાંકાનેર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક કેસમા મોરબીના વાવડી રોડ પર આવેલ ગણેશનગર વિસ્તારમાં રહેતા બ્રીજેશ સોરણસીંગ પ્રજાપતિ નામના 32 વર્ષીય યુવાને ગત તા.24 ના રોજ અકળ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેની જાણ થતાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યા તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર થયું હતું. આથી પોલીસે અપમૃત્યુની નોંધ કરી મોતનું કારણ જાણવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.