પંચર પડેલી કારમાં હવા ભરતા સમયે અકસ્માત સર્જી બલેનો કાર ચાલક ફરાર
મોરબીના ભરતનગર પાસે કે.કે. હોટલ સામે પંચર પડેલી સ્વિફ્ટ કારને સાઈડમાં ઉભી રાખી હવા ભરતા સમયે પૂરઝડપે આવેલી બલેનો કારે કાર અને બે વ્યક્તિને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મેટોડા ગામના રાહુલભાઈ સવાસડિયા અને ઇટાળાના ચેતનસિંહ જાડેજાને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બલેનો કારચાલક પોતાની કાર લઈને ફરાર થઈ જતા મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મેટોડા જીઆઇડીસી તા.લોધીકા જી.રાજકોટ રહેતા રાહુલભાઈ કિરણભાઈ સવાસડિયા અને ચેતનસિંહ જાડેજા રહે.નાના ઇટાળા વાળા ગત તા. ૧૧/૧૦/૨૦૨૬ના વહેલી સવારે આશરે ૪:૩૦ વાગ્યે લખપતના આશાપુરા માતાજીના મઢેથી રાજકોટ ગ્રામ્યના નાના ઇટાળા ગામે સ્વિફ્ટ કાર રજી.નં. જીજે૦૩-પુએમ-૪૦૦૪ માં પરત ફરી રહ્યા હતા તે દરમિયાન મોરબી તાલુકાના ભરતનગર પાસે કે.કે. હોટલ સામે પંચર પડ્યું હતું. જેથી કાર સાઈડમાં ઊભી રાખીને ફરિયાદી રાહુલભાઈ કિરણભાઈ સવાસડિયા અને ચેતનસિંહ ગુલાબસિંહ જાડેજા વ્હીલમાં હવા ભરી રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવેલી બલેનો કાર રજી.નં. જીજે-૦૪-ઈપી-૨૪૧૯ ના ચાલકે સ્વિફ્ટ કાર તથા રાહુલભાઈ અને ચેતનસિંહને હડફેટે લીધાં હતાં.
અકસ્માતમાં રાહુલભાઈને જમણા હાથમાં અને ચેતનસિંહને ડાબા હાથ તથા છાતીના ભાગે મૂઢ ઇજાઓ પહોંચી હતી. સાથે જ સ્વિફ્ટ કારને પણ નુકસાન થયું હતું. અકસ્માત સર્જી બલેનો કારચાલક ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારે ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ રાહુલભાઈ સવાસડિયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા, બલેનો કારચાલક વિરુદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






