મોરબી એલસીબીની કાર્યવાહી: દારૂ અને રીક્ષા સહિત રૂ.૧ લાખનો મુદ્દામાલ કબજે.
મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ફર્ન હોટલ નજીક એલસીબી પોલીસે સી.એન.જી. રીક્ષામાંથી ૨૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ સાથે મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે રૂ.૧ લાખનો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે માળીયાથી મોરબી તરફ આવી રહેલી બજાજ કંપનીની નંબર પ્લેટ વગરની સી.એન.જી. રીક્ષાને ફર્ન હોટલ નજીક રોકી તપાસ કરવામાં આવી હતી. રીક્ષામાં પ્લાસ્ટિકના ચાર બાચકામાં ૫-૫ લીટરની ક્ષમતાવાળા ૪૦ બુંગિયાંમાં કુલ ૨૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૪૦ હજાર મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષા ચાલક આરોપી સલીમભાઈ કાદરભાઈ શેખ ઉવ.૪૫ રહે. ફૂલીનગર-૧ વીસીપરા મોરબી તેમજ રીક્ષામાં સાથે રહેલ આરોપી હનીફાબેન હુસેનભાઈ સેડાત રહે. વીસીપરા મોરબી વાળીની ધરપકડ કરી હતી. આ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે દારૂ અને રીક્ષા સહિત ૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






