ક્યુરો સિરામિકના પાર્કિંગમાં ટ્રકની પ્રેશર પાઇપ તપાસતી વખતે અકસ્માત: ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
વાંકાનેરના માટેલ ગામની સીમમાં ક્યુરો સિરામિકના પાર્કિંગમાં ટ્રક રિવર્સમાં લેતી વખતે પાછળ ઊભેલા ક્લીનર પર ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી-માળિયા હાઇવે પર ભરતનગર પાસે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મૂળ રાજસ્થાનના જયપુર જીલ્લાના શાહપુરા ધાનીના વતની સંતોષકુમાર ભૈરુલાલ પલસનીયા ઉવ.૫૨ની ફરિયાદ મુજબ, ગઈકાલ તા.૧૪ ઓક્ટોબરના રોજ સાંજે પોતાના ટ્રાન્સપોર્ટનો ટ્રક રજી.નં. આરજે-૫૨-જીબી-૪૦૩૪ ના ચાલક રામજીલાલ સુરજમલ પલસનીયા રહે.રાજસ્થાન વાળો માટેલ ગામની સીમમાં કયુરો સીરામીક કારખાનામાં માલ ખાલી કરવા માટે ટ્રક રિવર્સમાં લેવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ક્લીનર હરફુલસિંઘ જગદીશપ્રસાદ પલસનીયા ઉંવ.૩૭ રહે.રાજસ્થાન વાળો ટ્રકની પ્રેશર પાઇપ તપાસવા પાછળ ગયો હતો. ત્યારે ડ્રાઇવર રામજીલાલ પલસનીયાએ પાછળ જોયા વગર ટ્રક રિવર્સમાં લેતાં પાછળનાં ટાયરનો જોટો હરફુલસિંઘના શરીર પરથી ફરી વળ્યો હતો, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવર રામજીલાલ સુરજમલ પલસનીયા સામે બેદરકારીથી વાહન ચલાવી મોત નિપજાવવાના આરોપસર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






