વાંકાનેરના લકડધાર ગામ નજીક કવર સ્ટોન સીરામીક નજીક ચાકુ અને ધોકા વડે હુમલો, યુવકને હોસ્પિટલમાં ખસેડાયો.
વાંકાનેર તાલુકામાં સીરામીક કારખાનામાં લોડિંગનો કોન્ટ્રાક્ટ રાખવાની બાબતે થયેલ મનદુઃખમાં એક યુવક પર ચાકુ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકના કાનના ભાગે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકાના માટેલ ઢુવા રોડ ઉપર ભાડેથી રહેતા ગજરાજભાઈ અમરેશભાઈ ગુર્જર મૂળ રહે. બસૈઇ ડાંગ તા.બાડી જી.ધૌલપુર રાજસ્થાનના વતનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી ગજરાજભાઈને વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ નજીમ આવેલ કવર સ્ટોન અને લીજોન સીરામીકમાં ભાગીદારીમાં લોડિંગ કોન્ટ્રાક્ટ ચાલતા હોય. આ દરમિયાન ગત તા.૦૯/૦૬ના રોજ તેમના ભાગીદાર વિજયભાઈ સાથે એમ્બીટો સીરામીકમાં લોડિંગ કોન્ટ્રાક્ટ રાખવા બાબતે આરોપી હરીસિંહ ટીકમસિંહ ગુર્જરને બોલાચાલી થઈ હતી. ત્યારે આ ઘટનાનો ખાર રાખી આરોપી હરીસિંહના કહેવાથી આરોપી જોગેન્દ્ર રામધન ગુર્જર રહે.હાલ એમ્બીટો સીરામીક તથા લોકેન્દર શિવરામ રહે.કવર સ્ટોન સીરામીક લાકડધાર તા. વાંકાનેર નામના શખ્સો ગઈકાલ તા.૧૦/૦૬ના રોજ સવારે કવર સ્ટોન સીરામીક પાસે આવી જ્યાં તેમણે ફરિયાદી ગજરાજભાઈને ધમકી આપી હુમલો કર્યો હતો. જેમાં આરોપી જોગેન્દ્રે ચાકુ વડે જમણા કાન અને તેની બાજુમાં ઈજા પહોંચાડી હતી, જ્યારે આરોપી લોકેન્દ્રે લાકડાના ધોકાથી શરીરે માર માર્યો હતો. દરમિયાન નજીકના દુકાનદાર અને સીરામીકના સિક્યુરિટી ગાર્ડ દોડી આવતા હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






