મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને ૫૨ કોર્પોરેટરો સહિત કુલ ૧૧૧ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભ્રષ્ટાચાર મુક્ત કામગીરીનો સંકલ્પ લેવડાવ્યો અને વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા મંત્રી દ્વારા ટકોર કરવામાં આવી.
મોરબી શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય અભિવાદન સમારોહ રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના ૫૨ કોર્પોરેટરો ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના મળીને કુલ ૧૧૧ જેટલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી માટે સપથ લેવડાવવામાં આવ્યા હતા.
મંત્રી કાંતિલાલ અમૃતિયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી બાદ તમામ પ્રતિનિધિઓએ પોતાના વોર્ડમાં નિષ્ઠાપૂર્વક વિકાસના કાર્યો કરવા માટે પ્રતિબદ્ધ રહેવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ મોરબીમાં અંદાજે ૭૦૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, જેમાંથી લગભગ ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. આગામી સમયમાં પણ ગુણવત્તા જાળવીને કરોડો રૂપિયાના નવા કામો હાથ ધરવામાં આવશે, તે માટે તમામ પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારમાં જરૂરી કામોની યાદી તૈયાર કરવી જોઈએ. અંતમાં મંત્રી દ્વારા તમામને પ્રજાની વચ્ચે રહી પ્રજાના કામો કરવા અને લોકોનો વિશ્વાસ જાળવવા આહ્વાન કરવામાં આવ્યું હતું.





