વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર સોસાયટીમાં છેલ્લા 2.5 મહિનાથી પાણી વિતરણમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. જેનાથી સ્થાનિક મહિલાઓ ત્રસ્ત થઈ છે અને આજે પાણી આપો…પાણી આપો..ના નારા સાથે મહિલાઓએ વાંકાનેર પ્રાંત કચેરીએ બેડા સાથે પહોંચી તંત્ર વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
વાંકાનેર નજીક આવેલ ગુલાબનગર વિસ્તારમાં તંત્ર દ્વારા છેલ્લા 2.5 મહિનાથી પાણીનું વિઅતારાં કરવામાં આવ્યું નથી. જેને લઈ સ્થાનિક નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે, ત્યારે સ્થાનિકોએ આને લઈ અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા અને કોઈપણ જવાબદાર તંત્ર મહિલાઓની પુકાર ન સાંભળતા મહિલાઓ બેડા સાથે કચેરીએ દોડી આવી હતી. મહિલાઓએ પાણીનાં બેડા સાથે પ્રાંત કચેરીમાં ધસી આવી ‘ પાણી આપો…પાણી આપો…પાણી આપો…’ નાં નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અને વહેલી તકે પાણીની વ્યવસ્થા કરી આપવામા આવે તેવી માંગ કરી હતી.