ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલા સાહેબ ફાઇબર્સ કારખાનામાં ફિલ્ટર પ્રેસ વિભાગમાં સાફ સફાઈ દરમિયાન વીજશોક લાગતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર આવેલ સાહેબ ફાઇબર્સ નામના કારખાનામાં રહેતા મૂળ બિહાર રાજ્યના મધુબની જીલ્લાના મેધપુરા ગામના વતની કેવલકુમાર સુલેન્દ્રભાઈ સદાય ઉવ.૨૦ ઉપરોક્ત કારખાનામાં નાઈટ શિફ્ટ દરમિયાન ફિલ્ટર પ્રેસ પ્લાન્ટમાં સફાઈ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પાણીથી સફાઈ કરતી વખતે અચાનક વીજશોક લાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં તેમને સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે પ્રદિપકુમાર સુલેન્દ્રભાઈ સદાયએ જાણ કરતા ટંકારા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, હાલ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






