બેલા ગામની ફેક્ટરીમાં બનાવ બાદ મોરબી બાદ ઉજ્જૈનની હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રમિકે દમ તોડ્યો, પોલીસે અ.મોતની નોંધ કરી.
મોરબીના બેલા ગામ સ્થિત સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના ૩૦ વર્ષીય શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી પદાર્થ પી લીધો હતો. જેથી મોરબી બાદ ઉજ્જૈનમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના બેલા ગામે આવેલી કોસીનો સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના ઉજ્જૈન જીલ્લાના સોહન નાગરી જોરનલાલ ઉવ.૩૦એ ગત તા.૧૯/૦૫/૨૦૨૬ના રોજ કોઈ કારણસર ઝેરી પદાર્થ પી લેતા, તેમને પ્રથમ મોરબીની શ્યામ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદમાં વધુ સારવાર માટે તેમના વતન ઉજ્જૈન લઈ જવાયા હતા. ત્યાં મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી ઉજ્જૈન પોલીસે ઝીરો નંબરથી નોંધ કરી કેસના દસ્તાવેજી કાગળો મોરબી રવાના કર્યા હતા, જે બાદ મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધ કરી આગળની વધુ તપાસ ચલાવી છે.






