મોરબી : મોરબીમાં ઘેર-ઘેર પાઈપલાઈન મારફતે ગેસ આપતી ગુજરાત ગેસ કંપની દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા બિલમાં ગેસના ભાવ ન આપવાની સાથે -સાથે હકીકતે વપરાયેલ ગેસના યુનિટ કરતા 10થી 20 યુનિટનું વધારે બિલ ફટકારતી હોવાની ચોંકાવનારી ફરિયાદ મોરબીના પંચમુખી હનુમાનજી ટ્રસ્ટના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.
પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી જણાવાયું છે કે મોરબીમાં ઘરે-ઘરે પાઈપલાઈન મારફતે ગેસ પૂરો પડતી ગુજરાત ગેસ કંપની દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા માસિક બિલમાં ગેસના યુનિટદીઠ ભાવ આપવામાં આવતા નથી ઉપરાંત દરેક બિલમાં ગેસના વપરાયેલા યુનિટથી 10થી 20 યુનિટ વધારે દર્શાવવામાં આવે છે.
વધુમાં આ મામલે મોરબી ગુજરાત ગેસ કંપનીની ઓફિસે રૂબરૂ રજૂઆત કરવામાં આવતા મેનેજર સુધીર વર્માએ ઉડાઉ જવાબ આપી કંપની દ્વારા ગેસ પૂરો પાડવામાં આવે ત્યારે જે લોસ જાય અથવા તો ગેસ ઉડી જાય તેને કારણે વધારે યુનિટનું બિલ આપવામાં આવતું હોવાનું કહી તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો બિલ તો આમ જ આવશે તેવું જણાવતા ટ્રસ્ટના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.