મોરબીમાં ગત ૧૪ ઓગસ્ટે રાત્રીના સમયે ભાવિક પુજારા નામના યુવક પર ઇલ્યાસ ઇશ્માઇભાઇ બ્લોચ નામનાં યુવકે તેના સાથીઓ નવાજ બ્લોચ,શહેઝાદ શબ્બીર સિપાઈ સાથે મળી તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં યુવકને ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડાયેલ હતું અને ૧૪ દિવસની સારવાર દરમિયાન આજે યુવકનું મોત નીપજ્યું હતું જેથી આ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.
બનાવની વિગત મુજબ મૃતક યુવાન ભાવિક પુજારા આરોપી ઇલ્યાસની બહેન સાથે અવાર નવાર ફોન પર વાતો કરતો હતો. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેની શંકાના આધારે આરોપી અને તેના સાથીઓએ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે શનાળા બાયપાસ રોડ પર નવા બનેલ ઓવરબ્રીજ નીચે- ભાવિકની બાઈક સાથે પોતાની એકસેશ ગાડી ભટકાડી ભાવિકને નીચે પછાડી દીધો હતો. જે બાદ આરોપીઓ તેના પર છરી વડે તૂટી પડ્યા હતા અને આઠ-દસ જેટલા છરીના ઘા જીકી જીવલેણ ઈજાઓ પહોચાડી હતી અને હવે પછી મારી બહેન સાથે ફોનમાં વાત કરતો નહી નહીતર સારાવાટ નહી રહે તેમ કહી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે ભાવિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યા આજે ૧૪ દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ત્યારે સમગ્ર મામલે ભાવિકના પિતા ભરતભાઇ લક્ષ્મીચંદ પુજારાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૩૦૭ મુજબ ગુનો નોંધ્યો હતો જ્યારે આ બનાવ હત્યામાં પલટાઈ જતા હવે હત્યાની કલમનો ઉમેરો કરવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી આરંભી છે.