પોલીસે રોકડ, મોબાઇલ, વાહનો સહિત રૂ.૫.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કુલ ૮ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ.
ઓફિસમાં સટ્ટો રમવા આવેલ ત્રણેય ઈસમો કેફી પ્રવાહી પીધેલી હાલતમાં હતા.
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે સીટી મોલના ત્રીજા માળે શિવ ઇમ્પેક્ષ નામની ઓફિસમાં ચાલતા ક્રિકેટ સટ્ટા ઉપર સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે સટ્ટો રમવા ઓનલાઇન આઇડી આપનાર ચાર આરોપીઓના નામ ખુલતા પોલીસે ચારેયને ફરાર જાહેર કર્યા છે. હાલ સ્થળ ઉપરથી પોલીસે રોકડ, સાત મોબાઇલ, ચાર વાહન સહિત રૂ.૫.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ ચાર સટ્ટોડિયા પૈકી ત્રણ નશો કરેલી હાલતમાં હોય જેથી તેની વિરુદ્ધ પોલીસે અલગથી કેસ દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે ભક્તિનગર સર્કલ નજીક સીટી મોલમાં ત્રીજા માળે આવેલ શિવ ઈમ્પેક્ષ નામની ઓફિસમાં રેડ કરવામાં આવી હતી. અહીં આઈપીએલ ટી-૨૦ મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ઉપર મોબાઈલ દ્વારા સટ્ટો રમાતો હતો. પોલીસે સ્થળ પરથી ચાર સટ્ટોડિયાઓને ઝડપી પાડ્યા હતા. જેમાં, (૧)અનિલભાઈ માવજીભાઈ ડાભી ઉવ.૨૮ રહે. મોરબી રવાપર રોડ નરસંગ ટેકરી પાછળ મેઘાણીની વાડી, (૨)બ્રિજેશભાઈ મનસુખભાઈ માલવણીયા ઉવ.૩૦ રહે. શિવમ એપાર્ટમેન્ટ બ્લોક નં.૭૦૩ ધર્મવિજય સોસાયટી કન્યા છાત્રાલય રોડ મોરબી મૂળ રહે. ઘાંટીલા તા.માળીયા(મી, (૩)પરેશભાઈ નાગજીભાઈ ગોવિંદભાઈ પઢારીયા ઉવ.૪૦ રહે.૬૦૧ મંગલમ એપાર્ટમેન્ટ બોનીપાર્ક રવાપર મોરબી મૂળ રહે ગાંધીનગર તથા (૪)હર્ષદભાઈ લાલજીભાઈ પાસીયા ઉવ.૩૦ રહે. સો ઓરડી સામાકાંઠે રચના સોસાયટી મોરબી વાળાને રોકડ રૂ.૧૫,૬૦૦/-, સાત મોબાઈલ ફોન કિ.રૂ.૬૦,૦૦૦, ત્રણ મોટરસાયકલ તથા એક કાર કિ.રૂ.૪,૫૦૦૦/- સહિત કુલ રૂ.૫,૨૬,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે સટ્ટો રમવા ઓનલાઇન આઇડી આપનાર આરોપીઓ હસુભાઈ ઠાકર રહે.મોરબી, બ્રિજેશભાઈ પડસુબીયા રહે. વાવડી મોરબી, રજાકભાઈ રહે.રાજકોટ શહેર તથા જયદીપભાઈ પટેલ રહે.મોરબી વાળાના નામ પોલીસ તપાસમાં બહાર આવ્યા હતા. જેથી પોલીસે ઉપરોક્ત ચારેય આઇડી ધારક આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા. વધુમાં પકડાયેલા આરોપીઓએ ફરાર આરોપીઓ પાસેથી ઓનલાઈન આઈડી મેળવી મોબાઈલ મારફતે લાઈવ મેચ જોઈ રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા હતા. હાલ પોલીસે ૮ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે જ્યારે આરોપી બ્રિજેશ માલવણીયા, પરેશ પઢારીયા અને હર્ષદ પાસીયા કેફી ઓરવાહી પીધેલી હાલતમાં મળી આવતા તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટનો અલગથી કેસ નોંધી, ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









