લેબર કોલોનીમાંથી ૧૩ વર્ષની સગીરા ગુમ થયા બાદ પરિવારજનો દ્વારા શોધખોળ, અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ.
મોરબી તાલુકાના ગ્રામ્યમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાંથી સગીર વયની પરપ્રાંતીય શ્રમિકની પુત્રી ગુમ થતાં પરિવારે અપહરણની આશંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ૧૩ વર્ષીય સગીરા પોતાના માતા-પિતા અને પરિવાર સાથે મોરબી ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતી હતી. ત્યારે ગત તા.૧૧/૦૮ના રોજ સગીરાના માતા-પિતા કામ માટે બહાર ગયા હતા. આ દરમિયાન બપોરના સમયે પરિવારને સગીરા લેબર કોલોનીમાંથી ક્યાંક જતી રહી હોવાનું જાણવા મળતાં માતા-પિતા અને સંબંધીઓએ કોલોની તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી.
પરિવારજનો દ્વારા મોરબીમાં અલગ અલગ સ્થળે રહેતા અને મૂળ વતનના સગા વ્હાલાને ત્યાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ સગીરાનો કોઈ પત્તો મળ્યો ન હતો. સગીરા ઘરેથી નીકળી તે વખતે લાલ રંગની સાડી, કાળા રંગનું બ્લાઉઝ અને ચણીયો પહેરેલ હતું. હાલ પરિવારની શોધખોળ છતાં સગીરા ન મળતાં કોઈ અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી લઈ ગયો હોવાની આશંકાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સગીરાની શોધખોળ સાથે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






