નાની-નાની બાબતોમાં મેણાંટોણાં અને માનસિક-શારીરિક ત્રાસ.
મોરબીમાં પિયરમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસુ સામે અવારનવાર નાની-નાની બાબતોમાં ઝઘડો કરી શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપ્યા અંગે તેમજ સાડા પાંચ વર્ષની દીકરીને પરત ન સોંપતા હોય તે બાબતે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, ફરિયાદી મિલનબેન રામસીભાઈ ગોજીયા હાલ રહે.મોરબી બોરીચાવાસ વાળાએ પતિ હિતેષ ઉર્ફે જીતુ અરજણભાઈ કરંગીયા અને સાસુ મણીબેન અરજણભાઈ કરંગીયા રહે.ન્યુ નવાનગર રણજીતસાગર રોડ જામનગર વાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, તેમના લગ્ન વર્ષ ૨૦૧૭માં હિતેષ ઉર્ફે જીતુ સાથે થયા હતા અને તેમને બે પુત્રીઓ છે. લગ્નના થોડા સમય બાદ સાસુ ઘરકામ સહિતની નાની બાબતોને લઈને ઝઘડા કરતા તથા પતિને ફરિયાદી વિરુદ્ધ ચઢામણી કરતા, જ્યારે બીજી બાજુ પતિ પણ શંકા રાખી ઝઘડા કરતા હતા.
લગ્નના બે વર્ષ બાદ બંને પતિ-પત્નીની સંમતિથી છૂટાછેડા થયા બાદ સમાધાન થયા બાદ ફરી લગ્ન કર્યા બાદ પણ સાસુ અને પતિ તરફથી ત્રાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. જેમાં પતિ અને સાસુ પિયરના પરિવારજનો સાથે મળવા-વાતચીત કરવા બાબતે પણ નજર રાખતા, આ દરમિયાન મોટી પુત્રીને થોડા સમય માટે સાસુ પાસે મોકલ્યા બાદ આજદિન સુધી પરત ન સોંપી હોવાનો અને છેલ્લા દોઢ વર્ષથી ફરિયાદી મિલનબેન નાની પુત્રી સાથે પિયરમાં રહે છે હાલ મહિલા પોલીસે આરોપી પતિ અને સાસુ વિરુદ્ધ બીએનએસની કલમ ૮૫ તથા ૫૪ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.






