Thursday, September 10, 2026
HomeGujaratમોરબીમાં ૭૦ બાળકોએ સંભાળી મહાનગરપાલિકાની જવાબદારી, બાળ સામાન્ય સભામાં શહેરના પ્રશ્નો પર...

મોરબીમાં ૭૦ બાળકોએ સંભાળી મહાનગરપાલિકાની જવાબદારી, બાળ સામાન્ય સભામાં શહેરના પ્રશ્નો પર ચર્ચા

૭ શાળાના વિદ્યાર્થીઓ બન્યા મેયરથી માંડી કમિશનર અને કોર્પોરેટર: ટ્રાફિક, સ્વચ્છતા, ગ્રીન મોરબી સહિતના મુદ્દે બાળસભામાં રજૂ થયા વિચારો.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા બાળકોમાં લોકશાહી મૂલ્યો, નાગરિક જવાબદારી અને નેતૃત્વ ક્ષમતા વિકસે તે હેતુથી “બાળ દ્વારા સંચાલિત મહાનગરપાલિકા” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૭ શાળાના કુલ ૭૦ વિદ્યાર્થીઓએ વિવિધ હોદ્દાઓની ભૂમિકા ભજવી બાળ સામાન્ય સભામાં શહેરના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.

મોરબી મહાનગરપાલિકા દ્વારા ગઈકાલ તા.૦૯/૦૯ના રોજ મુખ્ય કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે “બાળ દ્વારા સંચાલિત મહાનગરપાલિકા” નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને લોકશાહી વ્યવસ્થા, નાગરિક જવાબદારી, નેતૃત્વ ક્ષમતા તેમજ શહેરના વહીવટી તંત્રની કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મળે તે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી શહેરની ૭ શાળાના ૧૦-૧૦ વિદ્યાર્થીઓ મળી કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં તપોવન કોમર્સ સ્કૂલ, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્મલ વિદ્યાલય, સાર્થક વિદ્યામંદિર, નવયુગ સ્કૂલ તથા નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.

કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને મહાનગરપાલિકાના વહીવટી અને લોકશાહી માળખાનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કમિશનર, ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ), ડેપ્યુટી કમિશનર (વહીવટ), વિવિધ વોર્ડના કોર્પોરેટરો તેમજ વિવિધ શાખા અને સમિતિઓના ચેરમેન તથા શાખાધ્યક્ષ જેવી વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ માત્ર દર્શક તરીકે નહીં પરંતુ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને સામાન્ય સભાની કામગીરીમાં સક્રિય ભાગીદાર બની સમગ્ર પ્રક્રિયાનો અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાની સામાન્ય સભાની કાર્યપદ્ધતિને અનુરૂપ બાળ સામાન્ય સભા યોજવામાં આવી હતી. બાળ સામાન્ય સભામાં વિદ્યાર્થીઓએ પોતાની સોંપાયેલી ભૂમિકાઓ મુજબ ભાગ લઈ શહેરના વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. જેમાં ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન, ગ્રીન મોરબી તથા વૃક્ષારોપણ, સાયકલિંગ અને વોકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સ્થળો અને બગીચાઓ, શહેરનો વિકાસ, નાગરિક સુવિધાઓ સહિતના શહેરી પ્રશ્નો મુખ્ય રહ્યા હતા.

વિદ્યાર્થીઓએ શહેરના પ્રશ્નોને પોતાના દૃષ્ટિકોણથી રજૂ કરી તેના સંભવિત ઉકેલો અંગે પણ ચર્ચા કરી હતી. આ પ્રક્રિયા દરમિયાન પ્રશ્ન રજૂ કરવા, ચર્ચા કરવા, નિર્ણય પ્રક્રિયાને સમજવા તેમજ જવાબદારીપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કરવાની ક્ષમતાનો બાળકોમાં વિકાસ થયો હતો. “બાળ દ્વારા સંચાલિત મહાનગરપાલિકા” કાર્યક્રમનો હેતુ બાળકોને લોકશાહી વ્યવસ્થા માત્ર પુસ્તકોમાં વાંચવા પૂરતી સીમિત ન રહે, પરંતુ તેનો પ્રત્યક્ષ અનુભવ મળે તેવો હતો. કાર્યક્રમથી વિદ્યાર્થીઓને મહાનગરપાલિકાની કામગીરી, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા, વહીવટી અધિકારીઓની જવાબદારી, વિવિધ શાખાઓની કામગીરી તથા શહેરના વિકાસ માટે લેવાતા નિર્ણયો અંગે વ્યવહારુ સમજ મળી હતી. આ રીતે “બાળ દ્વારા સંચાલિત મહાનગરપાલિકા” માત્ર એક કાર્યક્રમ પૂરતો સીમિત ન રહેતા બાળકોમાં લોકશાહી સમજ, નેતૃત્વ, નાગરિક જાગૃતિ અને પોતાના શહેર પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવતી અનોખી પહેલ બની રહી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!