મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ૨૦ માસથી નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને AHTU અને સીટી એ ડિવિઝન પોલીસની ટીમે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી શોધી કાઢ્યા હતા. આ સાથે બંનેને હસ્તગત કરી મોરબી શહેર પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ અપહરણ તથા ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા AHTU ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન AHTUના પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર. સોલંકીને મળેલી બાતમીના આધારે ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી મગનભાઈ ઉર્ફે ગૌતમ વાઘજીભાઈ ડાંગર ઉવ.૩૦ રહે. જસદણ જી.રાજકોટ વાળો સગીર વયની યુવતીને અપહરણ કરી લઈ ગયો હોવાના ગુનામાં ૨૦ માસથી નાસતો ફરતો હતો.
આરોપી અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની માહિતી મળતા AHTU ટીમ તથા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે સંયુક્ત કાર્યવાહી કરી અમદાવાદ નારોલ વિસ્તારમાંથી આરોપી તથા ભોગ બનનારને હસ્તગત કર્યા હતા. ત્યારબાદ બંનેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.






