ટાઇટેનીયમ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટર પાસે મધ્યપ્રદેશના મજૂર પરિવારના બાળક પર શ્વાનોએ કર્યો જીવલેણ હુમલો.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલા ટાઇટેનીયમ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટર પાસે રખડતા શ્વાનોએ ૮ વર્ષીય બાળક પર હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત નીપજતાં અરેરાટી ફેલાઈ હતી.
મોરબી તાલુકા પોલીસમાં અ.મોતની નોંધાયેલા નોંધ મુજબ, બેલા ગામની સીમમાં આવેલા ટાઇટેનીયમ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના કૃપાલભાઈ રામલાલ માલવિયાના ૮ વર્ષીય પુત્ર કુનાલ માલવિયા પર રખડતા શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. રાત્રિના સમયે કુનાલ બહાર સૂતો હતો અને બાદમાં માતા પાસે રૂમમાં જતો હતો ત્યારે શ્વાનોએ તેના શરીરે અલગ અલગ જગ્યાએ બચકા ભર્યા હતા. ગંભીર ઇજાઓના કારણે માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાએ મૃતક બાળકના પરિવાર સહિત વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાવી છે. હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.





