ગૌસેવકો, સંતો-મહંતો અને સનાતની સંસ્થાઓની સરકાર સમક્ષ માંગ: ગૌરક્ષણ અને ગૌચર જમીન બચાવવા ઉઠી માંગ.
મોરબી જીલ્લાના ગૌસેવકો, ગૌપાલકો, સંતો-મહંતો અને વિવિધ સનાતની સંસ્થાઓએ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગ સાથે અંદાજે સાડા સાત હજારથી વધુ સહીઓવાળું આવેદનપત્ર મોરબી પ્રાંત અધિકારીને પાઠવ્યું હતું. આ સાથે જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહિ આપવામાં તેમજ ગૌસંવર્ધન અને ગૌરક્ષણ માટે ત્વરિત નિર્ણયો નહિ લેવામાં આવે ત્યાં સુધી સતત સહી અભિયાન ચાલુ રાખવાની આગેવાનોએ જાહેરાત કરી હતી.
મોરબી જીલ્લામાં ગૌમાતાના રક્ષણ અને સંવર્ધન મુદ્દે આજરોજ ગૌસેવકો, ગૌપાલકો, વિવિધ સનાતની સંસ્થાઓના આગેવાનો તેમજ સંતો-મહંતો દ્વારા અનોખું સહી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અંદાજે સાડા સાત હજારથી વધુ લોકોની સહીઓ સાથેનું આવેદનપત્ર મોરબી પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા, ગૌચરની જમીનનો ઉપયોગ માત્ર ગૌમાતાના હિત માટે જ કરવામાં આવે તેમજ ગાયોને કતલખાને લઈ જતી પ્રવૃત્તિઓ રોકવા માટે સરકાર દ્વારા કડક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ જીલેશભાઈ, શ્રી યદુનંદન ગૌશાળાના કાનાભાઈ તથા બગથળા નકલંકધામના મહંત દામજી ભગતે જણાવ્યું હતું કે, “જો ગાય બચશે તો રાષ્ટ્ર, પર્યાવરણ અને સનાતન ધર્મ બચશે.” તેમણે ગૌમાતાના શરીરમાંથી પોઝિટિવ ઔરાના તરંગો નીકળતા હોવાનો ઉલ્લેખ કરી સમાજમાં ધાર્મિકતા અને સકારાત્મક ઊર્જા વધે છે તેવું જણાવ્યું હતું.
આવેદન મારફતે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન સમક્ષ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ગૌ સંવર્ધન અને ગૌરક્ષણ માટે અસરકારક નીતિ બનાવવાની પણ અપીલ કરાઈ હતી. અંતમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં નહીં આવે ત્યાં સુધી દીર્ઘકાળ સુધી આ પ્રકારના અભિયાનો સતત ચાલુ રાખવામાં આવશે અને જનજાગૃતિ ફેલાવવામાં આવશે.





