માળીયા નજીક ગઈકાલે ડમ્પરચાલકે માલધારી અને તેના ઘેટાં બકરાના ધણને હડફેટે લેતા 9 બકરાના મોત નિપજ્યા હતા અને માલધારીને ગંભીર ઇજા પહોંચી હતી. ગઈકાલે બનેલા અકસ્માતના બનાવની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામના માલધારી ભરતભાઇ રામાભાઇ લલુતરાએ આરોપી ડમ્પર નં. GJ-12-AU-8090 ના ચાલક સામે માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા-૧૭ ના રોજ સવારના સાડા નવેક વાગ્યે અમદાવાદ માળીયા હાઇવે પર વાધરવા ગામથી માણાબા ગામ વચ્ચે ફરીયાદી તથા સાહેદ પોતાનો માલઢોર લઇને ચાલીને જતા હતા. તે દરમ્યાન આરોપીએ પોતાના હવાલા વાળુ ડમ્પર નં. GJ-12-AU-8090 ને પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેફીકરાઇથી ચાલવી હાઇવે રોડ ઉપર જતા સાહેદ તથા માલઢોરને હડફેટે લઇ ફરીયાદીના કુલ ૯ બકરાને કચડી નાખી ઇજા કરી મૃત્યુ નિપજાવી રૂપીયા ૪૧૦૦૦ નુ નુકશાન કરી તથા સાહેદ શામળાભાઇ વશરામભાઇને બન્ને પગ તથા માથામાં ઇજા કરી ડમ્પર મુકી આરોપી નાસી ગયો હતો. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.