વિવાદ દરમિયાન ફરિયાદીની પત્ની અને બે દીકરીઓ સહિત ચારને ઈજા, તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.
માળીયા(મી)માં બાપ-દાદાની મિલકત બાબતે સગા બે ભાઈઓના પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી અને મારામારીનો બનાવ સામે આવ્યો છે. બનાવમાં ફરિયાદી, તેની પત્ની તથા બે દીકરીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, ઘટનાને લઈને ત્રણ મહિલા સહિત પાંચ લોકો સામે માળીયા(મી) પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માળીયા(મી) ખાતે જૂના બસ સ્ટેશન સામે રહેતા અકબરભાઈ સુમારભાઈ મોવર ઉવ.૪૫એ પોતાના સગા નાનાભાઈ હૈદરભાઈ સુમારભાઈ મોવર, સાયનાબેન હૈદરભાઈ મોવર, ઈરફાન હૈદરભાઈ મોવર, નુરબાનુ ઇરફાનભાઈ મોવર અને રહીમા હૈદરભાઈ મોવર સહિતનાઓ સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ, ગત તા.૨૪/૦૪ના રોજ સાંજના સમયે એક જ ફળીયામાં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે બાપ-દાદાની મિલકત અને રસોડાના ઉપયોગ મુદ્દે બંને પરિવારો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે ઝપાઝપી અને મારામારીમાં ફેરવાઈ હતી. આ બનાવમાં ફરિયાદી અકબરભાઈ, તેમની પત્ની હલીમાબેન તથા દીકરીઓ હવા અને નાઝને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્તોને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર બનાવ અંગે પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





