ટંકારા તાલુકાના ઓટાળા ગામેં આવેલ વૃધ્ધાની ખેતીની જમીનમા પાંચ પટેલ શખ્સોએ વીસેક વર્ષથી કબ્જો જમાવી વાવેતર કરી દેતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ઓટાળા ગામે રહેતા વજીબેન પ્રેમજીભાઇ દેસાઇ(ઉ.વ- ૮૫)ની સર્વે નંબર- ૫૪ પૈકી-૬ ની ૨-૫૯-૦૦ હેકટર આશરે ૨૮ ગુંઠા જેટલી જમીનમાં તે જ ગામે રહેતા આરોપી મગનભાઇ ભગવાનજીભાઇ દેસાઇ, શામજીભાઇ ભગવાનજીભાઇ દેસાઇ, વાધજીભાઇ ભગવાનજીભાઇ દેસાઇ, પ્રવિણભાઇ રાધવજીભાઇ ધોડાસરા અને રમેશભાઇ રાધવજીભાઇ ધોડાસરા સહિતનાઓએ આશરે વીસેક વર્ષ થી ગેરકાયદે કબજો જમાવ્યો છે. જેમાં માલિકની મરજી વિરુદ્ધ વાવેતર કરી દેતા વજીબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ ડીવાયએસપી અતુલકુમાર બંસલ ચલાવી રહ્યા છે.