મોરબી જિલ્લામાં વાહન અકસ્માતની બે ગોઝારી ઘટના પ્રકાશમા આવી છે જેમાં બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજતા પરિવારજનોના અરેરાટી મચી જવા પામી છે.
મોરબી તાલુકાના ઉચી માંડલથી તળાવીયા શનાળા જતા રોડ ઉપર આવેલ ઝારકો સીરામીકના કારખાનાના ગેટ નજીક પાણીના ટ્રક ટેન્કર દેષમામદભાઈ ઉર્ફે હકો એહમદભાઈ કાજડીયા મિયાણા ઉવ. ૩૦ રહે. કાજરડા તા.માળીયા(મી)એ આડેધડ ટેનકાર ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દઇ પ્રદિપ નામના યુવાનને અડફેટે લીધો હતો. ટ્રક ટેન્કર રજી નંબર-GJ-12-Y-6678 ચાલકે સંતોષ કમલાભાઇ વિશ્વક્રમાના ભત્રીજા પ્રદિપને પાછળથી અડફેટે લઇ પેટના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી.આ અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો છે.અકસ્માત બાદ આરોપી નાશી છુટતા મોરબી તાલુકા પોલીસ મથકમાં સંતોષ કમલાભાઇ વિશ્વક્રમાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત અંગેની વધુ એક ગોઝારી ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના સજનપર ગામ પાસે આવેલ સજનપર થી ઘુનડા જતા રોડે દુવા ફાર્મના ગેટ પાસે એચ.એફ. ડીલક્સ બાઈક રજી.નં. જી.જે.૩૬.એ.ડી. ૧૨૩૯ના ચાલક અરજણભાઇ જેતાભાઇ ભુરીયા (ઉ.વ.૧૯ હાલ-સજનપર ગામની સીમમાં સામતભાઈ ખાટરીયાની વાડીએ, મૂળ દાહોદ)એ રોડ પર વળાંક આવતા બાઈકના હેન્ડલ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેને પગલે બાઈક સ્લીપ થઈ જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જે ઇજા જીવલેણ નિવડતા અરજણભાઇ ભુરીયાનું મોત નીપજ્યું હતું.જેને પગલે મૃતકના પરિવારજનોના અરેરાટી મચી જવા પામી છે.આ અંગે ટંકારા પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.