હળવદ તાલુકાના નવી શીરોઇ ગામે વ્યવહારીક કામ બાબતે ઝગડો થતા એક શખ્સ પર છરીથી હુમલો કરાયો. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
શીરોઇ ગામે ખેતીનો વ્યવસાય કરતા હિતેશભાઇ કાળુભાઇ પંચાસરાએ તે જ ગામમાં રહેતા ચંદુભાઇ ગાડુભાઇ, મનસુખભાઇ ભીખાભાઇ તથા નવઘણભાઇ ગાંડુભાઇ સામે ફરિયાદ લખાવી છે કે આરોપીઓને ફરીયાદી તથા તેની સાથેના લોકો સાથે વ્યવહારીક કામ બાબતે મનદુ:ખ ચાલતુ હતું. જેનો ખાર રાખી ગત તા. 19ના રોજ આરોપીઓએ ફરીયાદીને તથા અન્ય લોકોને ગાળો આપી ફરીયાદીની માતા લીલાબેનને લાકડાના ધોકાથી કપાળના ઉપરના ભાગે મારી મુઢ ઇજા કરી હતી. તેમજ ફરીયાદીને આરોપી ચંદુભાઇ ગાડુંભાઇએ છરીથી ડાબા હાથની હથેળીમાં મારી સામાન્ય ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં ફરિયાદના આધારે પોલીસ આ બનાવની વધુ તપાસ હાથ ધરેલ છે.