વાંકાનેરમાં ગત શનિવારે મોડી રાતે પૈસાની લેતીદેતી બાબતે લેણીયાતો આવીને વારંવાર ગાળાગાળી કરતા હોઇ, સમજાવટ કરવા ગયેલા યુવક પર ત્રણ શખ્સે હિચકારી હુમલો કર્યો હતો અને છરીના આડેધડ અનેક ઘા ઝીંકી યુવકની હત્યા નીપજાવી હતી, ઘટનાના પગલે પોલીસે આરોપીઓને ઝડપી લેવા સહિત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તેમજ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી અનુસાર, અમીત ઉર્ફે લાલો અશ્વીનભાઇ કોટેચા ગત શનિવારે સુરેશભાઈ વિષ્ણુભાઈ ગોંડલિયાના ઘરે પૈસાની લેતીદેતી મામલે સરફરાઝ તથા ઇમરાન આવીને વારંવાર ગાળાગાળી કરતા હોય તેમને સમજાવવા ગયો હતો. જે બાદ અમીત લાલાભાઇ લેથવાળાની દુકાન પાસે બેઠો હતો. ત્યારે સરફરાજ મકવાણાએ મનદુઃખ રાખી ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા અને ઇમરાન ફારૂક આરબને હથિયાર સાથે મોકલ્યા હતા. ત્યારે આરોપીઓએ સ્થળ પર આવી અમીત ઉપર પુવૅ-યોજીત કાવતરૂ રચી છરી વતી આડેધડ ઘા મારી હત્યા નિપજાવી હતી. જે અંગે મૃતક અમીતના ભાઈ હીમાંશુભાઇ ઉર્ફે કાનો અશ્વીનભાઇ કોટેચાએ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ મથકે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.